આઝાદી પછી પ્રથમવાર સ્થાનિક વ્યક્તિને તક: સંજયસિંહ ચૌહાણે ‘ડોર-ટુ-ડોર’ પ્રચારના શ્રીગણેશ કર્યા,
ચમારડી બેઠક પર ચતુષ્કોણીય જંગની તૈયારી
વલ્લભીપુર તારીખ
આગામી દિવસોમાં યોજાનારી ચમારડી જિલ્લા પંચાયત અને પચ્છેગામ તાલુકા પંચાયતની ચૂંટણીઓને પગલે રાજકીય માહોલ ચરમસીમાએ પહોંચ્યો છે. આ ચૂંટણીમાં ખાસ કરીને કંથારીયા ગામમાં વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કારણ કે કોંગ્રેસ પક્ષ દ્વારા લેવાયેલા એક મહત્વના નિર્ણયે ગ્રામજનોમાં ખુશીની લહેર પ્રસરાવી દીધી છે.
આઝાદી પછીના ઇતિહાસમાં સૌપ્રથમ વખત કોંગ્રેસ પક્ષે કંથારીયા ગામના જ સ્થાનિક વ્યક્તિ પર વિશ્વાસ મૂકીને તાલુકા પંચાયતની ટિકિટ ફાળવી છે. પક્ષ દ્વારા સંજયસિંહ રૂપસિંહ ચૌહાણને મેદાનમાં ઉતારવામાં આવતા સ્થાનિક સ્તરે કાર્યકરો અને ગ્રામજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વર્ષો પછી ગામના પોતાના દીકરાને રાજકીય પ્રતિનિધિત્વ કરવાની તક મળતા લોકો આ નિર્ણયને આવકારી રહ્યા છે.
ઉમેદવાર સંજયસિંહ ચૌહાણે આજે પોતાના મતવિસ્તારમાં ઘરે-ઘરે જઈને આશીર્વાદ મેળવ્યા હતા અને વિધિવત રીતે ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો હતો. સ્થાનિક હોવાના નાતે તેમને લોકોનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે. પ્રચાર દરમિયાન મતદારોમાં “એક મોકો કોંગ્રેસને” અને “આવશે તો કોંગ્રેસ જ” જેવા સૂત્રોચ્ચાર સાંભળવા મળ્યા હતા, જે પરિવર્તનના સંકેત આપી રહ્યા છે.
માત્ર તાલુકા પંચાયત જ નહીં, પરંતુ ચમારડી જિલ્લા પંચાયતની બેઠક પર પણ ચૂંટણીનો પારો ગરમાયો છે. અહીં કોંગ્રેસના ઉમેદવાર શિલ્પાબેન મનસુખભાઈ મકવાણા જોરશોરથી જનસંપર્ક કરી રહ્યા છે. આ બેઠક પર ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અપક્ષ ઉમેદવારો વચ્ચે ચતુષ્કોણીય જંગ ખેલાશે, જેના કારણે સમગ્ર જિલ્લાની નજર આ બેઠક પર ટકેલી છે.
પચ્છેગામ તાલુકા પંચાયત બેઠક પર સંજયસિંહ ચૌહાણ અને ચમારડી જિલ્લા પંચાયત બેઠક પર શિલ્પાબેન મકવાણાને મળી રહેલા જનસમર્થનને જોતા કોંગ્રેસ આ વખતે એડીચોટીનું જોર લગાવી રહી હોય તેવું જણાય છે. લોકમુખે થતી ચર્ચાઓ મુજબ, આ વખતનું ચૂંટણી પરિણામ બંને પક્ષો માટે અત્યંત રોમાંચક બની રહેશે.
તસ્વીર ધમેન્દ્રસિંહ સોલંકી વલભીપુર















