![]()
Local Body Election: પંચમહાલ જિલ્લાના ગોધરામાં આગામી ચૂંટણી પૂર્વે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)એ એક મોટી કાર્યવાહી કરતા ગેરકાયદે હવાલા નેટવર્કને ઉજાગર કર્યું છે. વિશ્વસનીય સૂત્રોના આધારે SOGએ શહેરના વિવિધ સ્થળોએ દરોડા પાડી લાખો રૂપિયાની નાણાકીય હેરાફેરીનો ભાંડો ફોડ્યો છે. પોલીસને શંકા છે કે મતદારોને લાલચ અને પ્રલોભન આપવા માટે આંગડિયા અને હવાલા મારફતે મોટા પાયે રોકડ રકમ પહોંચાડવાનું નેટવર્ક કાર્યરત હતું, જેમાં આંગડિયા પેઢીના સીસીટીવી ફૂટેજમાં પણ શંકાસ્પદ ગતિવિધિઓ કેદ થઈ છે. મહત્વનું છે કે આ પહેલા સુરતમાંથી પણ આ જ પ્રકારનું રેકેટ પકડાયું હતું જેમાં પણ આપ નેતાઓની સંડોવણી હોવાના દાવા થયા હતા.
ચૂંટણી ટાણે આંગડિયા મારફતે મોટા પ્રમાણમાં પૈસાની હેરાફેરી
આ કેસમાં આમ આદમી પાર્ટી (AAP)ના સંગઠનના સક્રિય કાર્યકર્તા અને ગોધરા નગરપાલિકાના વોર્ડ નં. 11 ના ઉમેદવાર અજય સોમાલાલ વસંતાણી તેમજ રમણભાઈ ગુલાબભાઈ બારીયા અને દર્શિત કૃષ્ણકાંત સોનીના નામો સામે આવ્યા છે. પ્રાથમિક વિગતો મુજબ, આ શખ્સોએ પોતાના મળતિયાઓ દ્વારા છેલ્લા પંદરેક દિવસમાં પી.એમ. આંગડિયા અને વી. પટેલ આંગડિયા મારફતે અંદાજે 50 લાખ રૂપિયાથી વધુની રકમની હેરાફેરી કરી છે. આ સંગઠિત નેટવર્કના તાર ગુજરાતના અન્ય જિલ્લાઓ સાથે પણ જોડાયેલા હોવાનું તપાસમાં ખુલ્યું છે.
50 લાખની લેતી દેતી થઈ: પોલીસ
Dysp ગોધરાના જણાવ્યા મુજબ ‘ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે ગીતશીલ હતા, દરમિયાન SOGને બાતમી મળી હતી કે કેટલાક ઈસમો આંગડિયા પેઢી મારફતે મોટી રકમની હેરાફેરી કરે છે. જે આધારે SOG વર્ક આઉટ કરી તપાસ કરી હતી, જેમાં ત્રણ ઈસમો જેમાં અજય વસંતાણી વોર્ડ નંબર 11માં AAP પક્ષના ઉમેદવાર છે, તેમજ અન્ય બે કાર્યકરો રમણભાઈ બારીયા,દર્શિત સોનીના લાખ તપાસમાં સામે આવ્યા હતા. અંદાજે અત્યાર સુધીમાં 50 લાખની લેતી દેતી કરી હોવાનું જણાઈ આવે છે. આ બાબતે ખરેખર રકમ ક્યાંથી આવી, કોને આપી, કયા હેતું માટે આવી તેની તપાસ ચાલુ છે.’
એક તરફી કાર્યવાહીનો આરોપ!
આ સાથે પોલીસે કહ્યું છે કે ફંડનો ઉપયોગ ચૂંટણીમાં થયો કે નહીં તે અંગેની તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે. આંગણિયા પેઢી સંડોવાયેલી છે કે નહીં તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે. બીજી તરફ લોકમુખે એ પણ ચર્ચાઇ રહ્યું છે કે ભાજપ અને કોંગ્રેસ પાર્ટીના ઉમેવારો પણ કથિત રીતે ચૂંટણીમાં મોટા પ્રમાણમાં પૈસા ખર્ચી રહ્યા છે. તેમના પર પણ વોચ ગોઠવી કાર્યવાહી કરવામાં આવે જેથી એક તરફી એક્શન ટાળી શકાય.
આ પણ વાંચો: ચૂંટણી ટાણે મોટો ધડાકો! AAPના પોલિટિકલ ફન્ડિંગ સિન્ડિકેટનો પર્દાફાશ; કરોડોની હેરાફેરીના પુરાવા મળ્યા
આરોપો પાયાવિહોણા અને રાજકીય રીતે પ્રેરિત: AAP ઉમેદવાર
સમગ્ર મામલે પોલીસે ગોધરા એ-ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે. બીજી તરફ, પોતાની સામે થયેલા આક્ષેપો અંગે પ્રતિક્રિયા આપતા ‘આપ’ ઉમેદવાર અજય વસંતાણીએ આ તમામ આરોપોને પાયાવિહોણા અને રાજકારણ રીતે પ્રેરિત ગણાવ્યા છે. તેમણે દાવો કર્યો હતો કે ચૂંટણી સમયે તેમની છબી ખરડવા માટે આ પ્રકારના ખોટા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે અને આ ઘટનામાં કોઈ સત્યતા નથી. હાલ પોલીસ આ આર્થિક વ્યવહારોના મૂળ સુધી પહોંચવા વધુ તપાસ ચલાવી રહી છે.















