![]()
ચૂંટણી પંચના ચૂંટણીના 2 દિવસ પૂર્વે વિવાદી પરિપત્રથી વિરોધ વંટોળ : આરોપીઓને બુથમાં પ્રવેશ સામે કોંગ્રેસનો વિરોધ, ભાજપનું મુક સમર્થન! : વર્ષોથી આરોપીને મતદાન-મતગણત્રી સ્થળે એજન્ટ મુકી શકાતા નથી : માત્ર ચૂંટણી એજન્ટ વોર્ડનો મતદાર હોય તો ચાલશે તે સ્પષ્ટતાને બદલે આરોપીઓને પણ છૂટછાટ આપી દેવાઈ
રાજકોટ, : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રવિવારે યોજાનાર મતદાન માટે અને તા. 28ના યોજાનાર મતગણત્રી સ્થળે રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી એજન્ટ, મતદાન અને મતગણત્રી એજન્ટની નિમણુક કરાતી હોય છે જેમાં વર્ષોથી એવી જોગવાઈ રહી છે કે ‘આ એજન્ટ સામે કોઈ પણ જાતનો ગુનો દાખલ થયેલો ન હોવો જોઈએ અને ગુનાહિત ઈતિહાસ ધરાવતો ન હોવો જોઈએ.’ પરંતુ, આ જોગવાઈને ચૂંટણીના બે દિવસ પૂર્વે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જારી પરિપત્રમાં રદ કરાતા અર્થાત્ ખૂન,લૂંટ,હુમલા જેવા ગંભીર ગુનાનો આરોપી હોય તો પણ ચૂંટણી એજન્ટ બની શકે તેવી પરોક્ષ છૂટ આપી દેવાતા આ સામે આજે રાજકોટ કોંગ્રેસના નેતાઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે.
શહેર કોંગ્રેસના અગ્રણી ડો.હેમાંગ વસાવડાએ ચૂંટણી અધિકારીઓને રજૂઆતમાં જણાવ્યું કે ગુનાહિત ઈતિહાસ ધરાવનારાને મતદાન એજન્ટ તરીકે નિમણુક આપવાની ચૂંટણી આયોગે છૂટ આપી છે, આ એજન્ટની મુક્ત, ન્યાયી, નિર્ભીક ચૂંટણી પ્રક્રિયા માટે મહત્વની ભુમિકા હોય છે કારણ કે ઉમેદવાર દરેક મતદાન મથક કે ગણત્રી સ્થળ ઉપર હાજર રહી શકતા નથી.
ચૂંટણી આયોગના આ પરિપત્રથી મતદાન એજન્ટોમાં ભયનું વાતાવરણ સર્જાય તેવી પૂરી શક્યતા છે. તા.૨૬ના મહાનગરપાલિકા,નગરપાલિકા અને પંચાયતની ચૂંટણી યોજાય તે પૂર્વે આ પરિપત્ર પાછો ખેંચવા અને લોકશાહી પ્રણાલીનું અંગ ચૂટંણી નિર્ભીક રીતે થાય તેવી જોગવાઈ ચાલુ રાખવા ભારપૂર્વક માંગણી કરાઈ છે.
ઉલ્લેખનીય છે કે વિવિધ જિલ્લા ચૂંટણી અધિકારીઓએ મતદાન-ગણત્રી એજન્ટો જે તે બુથ પર મતદાર તરીકે નોંધાયેલા હોય તે મુદ્દે સ્પષ્ટતા માંગી હતી જેના અનુસંધાને ચૂંટણી આયોગના સચિવ આર.જી.ગોહિલની સહીથી એવી સ્પષ્ટતા કરાઈ હતી કે આ એજન્ટ નગરપાલિકા, મહાપાલિકામાં જે તે વોર્ડનો મતદાર હોવો જોઈએ.
પરંતુ, આટલી સ્પષ્ટતા કરવાની સાથે ચૂંટણી આયોગે નિયુક્ત કરાતો ચૂંટણી એજન્ટ ગુનાહિત ઈતિહાસ ધરાવતો ન હોવો જોઈએ તે અગાઉના નિયમને રદ કેમ કર્યો તે સવાલ પણ ચર્ચાપાત્ર બન્યો છે. આશ્ચર્યની વાત એ છે કે ક્રીમીનલ ઈતિહાસ ધરાવનારાને ચૂંટણી એજન્ટ બનાવવાની આ છૂટનો કોંગ્રેસે વિરોધ કર્યો પણ ભાજપે મુક સમર્થન આપ્યું છે અને કોઈ વિરોધ નથી કર્યો.















