![]()
સૌરાષ્ટ્રમાં અડધી આબાદીનો અડધો જ હોંકારો : 35.04 લાખ પૈકી 15.76 લાખ મહિલાઓ મતદાનથી વેગળીઃ શહેરી નારી મતદાનમાં પાછળ, ગ્રામીણ સન્નારીઓનો દબદબો
રાજકોટ, : સૌરાષ્ટ્રની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત, અને તાલુકા પંચાયતોની ચૂંટણીઓમાં સરેરાશ 50 ટકા જેવું મતદાન થયું હતું, પણ 50 ટકા મહિલા અનામત હોવાથી અડધો-અડધ મહિલા ઉમેદવારો હોવા છતાં આશ્ચર્યજનક રીતે સ્ત્રી મતદારો નિરૃત્સાહ જોવા મળ્યા હતા અને 35.04 લાખમાંથી 15.76 લાખ મહિલાઓએ મતદાન જ નથી કર્યું. પુરૂષોની સરખામણીએ મહિલાઓમાં મતદાનથી અલિપ્ત રહેવાનું પ્રમાણ 6 ટકા જેટલું વધારે છે.
સૌરાષ્ટ્રની ત્રણેય મુખ્ય સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં કુલ મળીને 15.76 લાખ એટલે કે અંદાજીત 45 ટકા મહિલા મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો નથી અથવા મતદાનથી અલિપ્ત રહ્યા છે. રાજકોટ અને પોરબંદર મહાનગરપાલિકા જેવા શહેરી વિસ્તારોમાં અલિપ્ત રહેલી મહિલાઓની સંખ્યા સૌથી વધુ છે, જ્યાં કુલ મતદારોના 50% થી પણ ઓછું મહિલા મતદાન નોંધાયું છે. જ્યારે નગરપાલિકા સ્તરે મહિલાઓની જાગૃતિ પ્રમાણમાં વધુ જોવા મળી છે, ખાસ કરીને સિક્કા, સુત્રાપાડા અને ટંકારા જેવા વિસ્તારોમાં મતદાનની ટકાવારી ઊંચી રહી છે. અંદાજે અડધો-અડધ મહિલા શક્તિ મતદાન પ્રક્રિયાથી દૂર રહી છે. જો આગામી સમયમાં રાજકીય પક્ષો ઉપરોક્ત અલિપ્ત મહિલા મતદારોને મતદાન મથક
સુધી લાવવામાં સફળ રહે, તો તે ચૂંટણીનું પરિણામ બદલી શકે છે. રાજકોટ, જામનગર અને મોરબી જેવી મુખ્ય મહાનગરપાલિકાઓમાં મહિલા મતદારોની સંખ્યા લાખોમાં છે, પરંતુ મતદાનના દિવસે પુરૂષોની સરખામણીએ મહિલાઓ પાછળ રહી છે. જ્યારે જિલ્લા પંચાયતોમાં મતદાનની ટકાવારી મહાનગરપાલિકા કરતા ઊંચી જોવા મળી છે. જોકે, અહીં પણ પુરૂષો અને મહિલાઓ વચ્ચે મતદાનમાં ગેપ છે. વળી, રાજકોટ જેવા મહાનગરપાલિકા વિસ્તારોમાં મહિલા મતદાનની ટકાવારી જિલ્લા પંચાયત કરતા નીચી છે, જે સૂચવે છે કે શહેરી મહિલાઓમાં મતાધિકાર પ્રત્યે ઉદાસીનતા હોઈ શકે છે. તમામ સ્તરે પુરૂષ મતદારોની સંખ્યા અને મતદાનની ટકાવારી મહિલાઓ કરતા વધારે છે. જો આગામી ચૂંટણીઓમાં મહિલાઓના પ્રશ્નોને મુખ્ય મુદ્દો બનાવવો હોય, તો રાજકીય પક્ષોએ મહિલા મતદાનની ટકાવારી વધારવા પર ખાસ ભાર મૂકવો પડશે. ખાસ કરીને પોરબંદર જેવા વિસ્તારોમાં જ્યાં મહિલા મતદાન ઘણું ઓછું નોંધાયું છે.















