![]()
Chhota Udepur News : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ છોટાઉદેપુર જિલ્લામાં ‘રાજકીય હાઈજેક’ના સ્થિતિ જોવા મળી છે. ભાજપ દ્વારા ચૂંટાયેલા સભ્યોની ખરીદ-વેચાણની આશંકા અને તોડજોડની રાજનીતિથી બચવા માટે આમ આદમી પાર્ટીએ(AAP) પોતાના વિજેતા સદસ્યોને રાજ્ય બહાર મધ્યપ્રદેશમાં ખસેડી દીધા હોવાનું સામે આવ્યું છે.
10 લાખની ઓફર
આમ આદમી પાર્ટીના સૂત્રો તરફથી મળતી વિગતો મુજબ, ભાજપ દ્વારા AAPના ચૂંટાયેલા સદસ્યોને પક્ષ પલટો કરાવવા માટે રૂ.10-10 લાખ સુધીની ઓફરો કરવામાં આવી રહી છે. ભાજપ સામ-દામ-દંડ-ભેદની નીતિ અપનાવીને સભ્યોને ઉઠાવી ન જાય તે માટે AAPના નેતાઓ હરકતમાં આવ્યા છે.
ચૂંટાયેલા ઉમેદવારોને મધ્યપ્રદેશ ખસેડ્યા
સાવચેતીના ભાગરૂપે છોટાઉદેપુર, કદવાલ અને કવાંટ તાલુકા પંચાયતના સદસ્યોને અલગ-અલગ જૂથમાં વહેંચીને મધ્યપ્રદેશના અજ્ઞાત સ્થળે મોકલી દેવાયા છે. એટલું જ નહીં, તમામ સભ્યોના મોબાઈલ ફોન પણ બંધ કરાવી દેવામાં આવ્યા છે જેથી બાહ્ય સંપર્ક ન થઈ શકે.
આ પણ વાંચો: તાલાલા તાલુકા પંચાયતમાં ‘આપ’નો માસ્ટરસ્ટ્રોક: પક્ષપલટો રોકવા વિજેતા ઉમેદવારોને ઇષ્ટદેવના સોગંદ લેવડાવ્યા
જિલ્લાની ત્રણ મહત્ત્વની બેઠકો પર રસાકસીનું ચિત્ર
છોટાઉદેપુર તાલુકા પંચાયત: 13-13 સદસ્યો ભાજપ અને AAPના ચૂંટાયા.
કદવાલ તાલુકા પંચાયત: 8-8 સદસ્યો ભાજપ અને AAPના ચૂંટાયા.
કવાંટ તાલુકા પંચાયત: AAPના 16 અને ભાજપના 9 સદસ્યો ચૂંટાયા.
AAPએ આ ત્રણેય તાલુકાના સદસ્યોને સાચવવાની જવાબદારી પક્ષના ખાસ વિશ્વાસુ નેતાઓને સોંપી છે. ગત 28 એપ્રિલે જાહેર થયેલા પરિણામો થયા હતા.















