![]()
Vadodara Board Results : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી મહિનામાં લેવાયેલી ધો.12 સાયન્સની પરીક્ષાનું આજે પરિણામ જાહેર કરાયું છે. જેમાં વડોદરા શહેર જિલ્લાનું 83.55 ટકા પરિણામ આવ્યું છે. ગત વર્ષે વડોદરા શહેર જિલ્લાનું પરિણામ 82.20 ટકા જાહેર થયું હતું અને આ વખતે ગત વર્ષ કરતા પરિણામમાં 0.35 ટકાનો નજીવો વધારો જોવા મળ્યો છે.
વડોદરા શહેર જિલ્લામાંથી 6740 વિદ્યાર્થીઓએ ધો.12 સાયન્સની પરીક્ષા આપી હતી અને તેમાંથી 5517 વિદ્યાર્થીઓ પાસ તથા 1123 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. વડોદરા શહેર જિલ્લાના 11 કેન્દ્રો પર ધો.12 સાયન્સની પરીક્ષા લેવામાં આવી હતી. આ પૈકી સૌથી વધારે 89.43 ટકા પરિણામ પાદરા કેન્દ્રનું અને સૌથી ઓછુ 64.21 ટકા પરિણામ ડભોઈ કેન્દ્રનું જાહેર થયું છે. શહેરના કેન્દ્રોના મુકાબલે ગ્રામ્ય વિસ્તારના કેન્દ્રના પરિણામની ટકાવારી વધારો હોય તેવું ભાગ્યે જ બનતું હોય છે. શહેર જિલ્લાના 11 વર્ષના પરિણામની સરખામણી કરવામાં આવે તો 2015માં સૌથી વધારે 89.71 ટકા પરિણામ આવ્યું હતું. જે રેકોર્ડ આ વખતે પણ તુટયો નથી. જોકે છેલ્લા બે વર્ષની જેમ આ વખતે પણ વડોદરાનું પરિણામ 80 ટકાની ઉપર રહ્યું છે.
જ્યારે ધો.12 સામાન્ય પ્રવાહમાં વડોદરા શહેર અને જિલ્લાના નિયમિત વિદ્યાર્થીઓનું 88.11 ટકા પરિણામ આવ્યું છે. ગત વર્ષે વડોદરા શહેર જિલ્લાનું 87.77 ટકા પરિણામ આવ્યું હતું અને તે રાજ્યમાં સૌથી ઓછું હતું. જ્યારે આ વખતે ગત વર્ષ કરતાં 0.44 ટકાનો વધારો થયો છે.
વડોદરામાંથી 17559 વિદ્યાર્થીઓએ ધો.12 સામાન્ય પ્રવાહની પરીક્ષા આપી હતી. આ પૈકી 15442 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે.
આ પહેલા વર્ષ 2020માં વડોદરાનું પરિણામ 71.03 ટકા આવ્યું હતું. એ પછી 2022માં 76.49 ટકા પરિણામ જાહેર થયું હતું. વડોદરા શહેરના 10 કેન્દ્રોના પરિણામની સરખામણી કરવામાં આવે તો સૌથી વધારે છાણી કેન્દ્રનું 91.63 ટકા અને સૌથી ઓછું માંડવી કેન્દ્રનું 84.60 ટકા પરિણામ જાહેર થયું છે.















