![]()
ભાવનગરે રાજ્યમાં ૧૩મું અને બોટાદે ૧૧મું સ્થાન મેળવ્યું
એ-૧માં ૨૪૩૪, એ-૨માં ૪૫૭૩, બી-૧માં ૫૧૦૧ અને બી-૨ ગ્રેડમાં ૫૬૮૬ વિદ્યાર્થીનો સમાવેશ
ગત વર્ષની સરખામણીએ પરિણામમાં ૦.૮૯%નો અને એ-૧ ગ્રેડમાં ૫૧૨ વિદ્યાર્થીનો વધારો
ભાવનગર – ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધો.૧૦ની પરીક્ષાનું પરિણામ જાહેર થવા પામ્યું છે. જેમાં ભાવનગર જિલ્લાનું રાજ્યમાં ૮૬.૦૬% સાથે ૧૩મું સ્થાન મેળવેલ છે. જે છેલ્લા ૧૦ વર્ષનું સૌથી ઉંચુ પરિણામ આવ્યું છે. જ્યારે એ-૧ ગ્રેડ મેળવતા વિદ્યાર્થીમાં પણ ગત વર્ષની સરખામણીએ ૫૧૨ના વધારા સાથે ૨૪૩૪ વિદ્યાર્થીઓએ મેદાન માર્યું છે.
ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત ફેબુ્રઆરી-માર્ચમાં લેવાયેલ ધો.૧૦નું પરિણામ આજે ઓનલાઇન માધ્યમથી જાહેર કરવામાં આવ્યું હતું. વર્ષભર મહેનત કરીને આગળ વધવા માંગતા પરીક્ષાર્થીઓને ન્યાય આપવા પુરતી તૈયારીઓ બોર્ડ દ્વારા કરાઇ હતી. આ વર્ષે પરીક્ષા દરમિયાન કુલ પાંચ ગેરરીતિ નોંધાઇ હતી. જ્યારે સીસીટીવી ફુટેજના આધારે કુલ ૨૩૩ ગેરરીતિ સામે આવી છે. આમ વર્ષભરની જહેમત બાદ પરિણામ જાહેર થતા આતુરતાનો અંત આવ્યો હતો. ભાવનગર જિલ્લામાં નોંધાયેલા ૩૦૧૦૯ વિદ્યાર્થીમાંથી ૨૯૭૫૭ વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી. જ્યારે એ-૧ ગ્રેડમાં ૨૪૩૪ છાત્ર, એ-૨માં ૪૫૭૩ છાત્ર, બી-૧માં ૫૧૦૧, બી-૨માં ૫૬૮૬, સી-૧માં ૫૨૮૮, સી-૨માં ૨૩૭૫ અને ડી ગ્રેડમાં ૧૫૧ વિદ્યાર્થીએ સ્થાન મેળવ્યું હતું. જ્યારે ૨૫૬૦૮ છાત્રોને ઇક્યુસી આવેલ છે. આમ ભાવનગરનું ઓવરઓલ પરિણામ ૮૬.૦૬% આવેલ છે. જે રાજ્યની સરખામણીએ ૧૩મુ સ્થાન પ્રાપ્ત કરે છે. જે છેલ્લા ૧૦ વર્ષમાં સૌથી ઉંચુ પરિણામ આવ્યું છે. આમ ઉંચા પરિણામની સાથોસાથ ગ્રેડેશન મેળવવામાં પણ વધારો નોંધાયો છે. ગત વર્ષે એ-૧ ગ્રેડમાં ૧૯૨૨ વિદ્યાર્થીના સ્થાને આ વર્ષે ૫૧૨ છાત્રોના વધારા સાથે ૨૪૩૪ છાત્રોએ પોતાની કાબેલીયત સિદ્ધ કરી હતી. આમ સવારથી નિયત સાઇટ પર પરિણામ જાહેર થતા વિદ્યાર્થી-વાલીઓમાં પણ ખુશી છવાઇ હતી અને દિવસભર મિત્રો, સ્નેહીઓને શુભેચ્છા પાઠવાઇ હતી.
ભાવનગર જિલ્લામાં ૧૦૦% પરિણામવળી ૭ શાળાનો વધારો ઃ ૬૭ શાળાનું ૧૦૦% પરિણામ















