![]()
મુંબઈ : કસ્ટમ્સ સત્તાવાળા દ્વારા ક્લિઅરન્સ ઓર્ડર જારી કરવામાં નહીં આવતા દેશમાં સોનાચાંદીની આયાત અવરોધાઈ હોવાનો બજારના સુત્રો દાવો કરી રહ્યા છે. ભારતના વાણિજ્ય મંત્રાલયે સોનાચાંદીની બેન્કો મારફત આયાત કરવા નવી યાદી ઢીલમાં જાહેર કરી હતી ત્યારે હવે કસ્ટમ્સ સત્તાવાળા દ્વારા તેમનો પોતાનો અલગ ક્લિઅરન્સ ઓર્ડર બહાર પડાયો નથી જે વિદેશમાંથી આવતા માલસામાનને છૂટો કરવા બંદર તથા એરપોર્ટ સત્તાવાળા માટે આવશ્યક હોય છે.
અક્ષય તૃતિયા બાદ જ્વેલરો સોનાચાંદીનો સ્ટોક વધારવા માગે છે, પરંતુ બેન્કો તરફથી માલ મળતો નહીં હોવાનો દાવો કરાઈ રહ્યો છે. નવું નાણાં વર્ષ શરૂ થયાને એક મહિના કરતા વધુ સમય વીતિ જવા છતાં, બેન્કો કન્સાઈનમેન્ટની ડિલિવરી લઈ શકતી નથી.
ઈન્ટીગ્રેટેડ ગુડસ એન્ડ સર્વિસીઝ ટેકસમાંથી સોનાચાંદીને મુક્તિ અપાશે કે કેમ તે મુદ્દે બેન્કો સ્પષ્ટતા ઈચ્છી રહી હોવાનું એક બેન્કરે જણાવ્યું હતું.
સોનાચાંદીને અગાઉ મુક્તિ અપાઈ હતી પરંતુ તે ચાલુ રહેશે કે કેમ તે મુદ્દે કોઈ સ્પષ્ટતા નથી.
ઊંચા ભાવને કારણે સોનાચાંદીની માગ પર અસર પડી છે, પરંતુ આયાત ઢીલને કારણે ઘરઆંગણે માલની અછત પ્રવર્તી રહી હોવાનો સ્થાનિક ટ્રેડરે દાવો કર્યો હતો.આંતરરાષ્ટ્રીય ભાવ સામે ઘરઆંગણે સોનાના ભાવ પર પ્રતિ ઔંસ ૨૦ ડોલર પ્રીમિયમ બોલાઈ રહ્યું છે.
હાલમાં સોનાની આયાત કરવાનો એક માત્ર માર્ગ ઈન્ડિયા ઈન્ટરનેશનલ બુલિયન એકસચેન્જ છે. બેન્કો દ્વારા આયાત અટકી પડતા સદર એકસચેન્જ મારફત પૂરવઠામાં જોરદાર વધારો થયો છે.
એપ્રિલમાં વેપાર વોલ્યુમ એક વર્ષની ઊંચી સપાટીએ જોવા મળ્યું હતું. મેમાં પણ વોલ્યુમ ઊંચુ રહ્યું છે. એકસચેન્જ મારફત આયાત કરવામાં ખાસ્સો સમય નીકળી જાય છે અને વર્કિંગ કેપિટલ પણ અટવાઈ પડે છે, એમ ટ્રેડરે વધુમાં જણાવ્યું હતું.
સામાન્ય રીતે દર નાણાં વર્ષના પ્રારંભમાં સરકાર દ્વારા બેન્કોને સોનાચાંદીની આયાત માટેની પરવાનગી આપતો આદેશ જારી કરવામાં આવતો હોય છે પરંતુ આ વર્ષ તે બે સપ્તાહ મોડી જાહેર કરાઈ હતી.
ભારત વિશ્વમાં સોનાનો બીજો મોટો વપરાશકાર અને સૌથી વધુ ચાંદીની ખરીદી કરતો દેશ છે ત્યારે આયાતમાં કોઈપણ ઢીલ દેશમાં સોનાચાંદીની અછત ૂઊભી કરી શકે છે. આ બન્ને કિંમતી ધાતુ માટે ભારત આયાત પર નિર્ભર રહે છે.















