![]()
Vadodara Bullet Train Project : બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે વડોદરામાં રેલવે સ્ટેશનની પૂર્વ દિશામાં મુખ્ય સ્ટેશન બનાવવામાં આવશે પરંતુ હવે રેલવે સ્ટેશનની પશ્ચિમ દિશામાં પણ બુલેટ ટ્રેનના પેસેન્જરો માટે બીજો એક્ઝિટ ગેટ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેથી પશ્ચિમ દિશામાંથી પણ પેસેન્જરોની અવરજવર સરળ થઈ શકે અને તે માટે એફસીઆઈ દ્વારા મોટી જમીનનો કબજો બુલેટ ટ્રેન પ્રોજેક્ટને સોંપાતા હવે પશ્ચિમ દિશામાં પણ એક્ઝિટ અંગેની કામગીરી શરૂ કરાશે.
નેશનલ હાઈસ્પીડ રેલ કોપીરેશન લિમિટેડ દ્વારા નિર્મિત મહત્વાકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે વડોદરામાં-જમીન સંપાદનની કામગીરી અંતિમ તબક્કામાં છે. આ પ્રોજેક્ટના ‘એક્ઝિટ ગેટ’ માટે વડોદરા રેલવે સ્ટેશનને અડીને આવેલી ફુડ કોપીરેશન ઓફ ઈન્ડિયા (એફસીઆઈ) હસ્તકની કિંમતી જમીનનો પ્રત્યક્ષ કબજો સોંપી દેવામાં આવ્યો છે. વડોદરા કસ્બાના વોર્ડ નં. 1 માં, રેલવે સ્ટેશનની બિલકુલ નજીક પશ્ચિમ વિસ્તારની આ જમીનનો વિસ્તાર, 1075.0773 ચોરસ મીટર છે. આ જમીન ત્રિકોણ આકારની છે અને અત્યાર સુધી તે બીનઉપયોગી તથા પડતર સ્થિતિમાં હતી.
આ જમીન બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે સંપાદન માટે રૂા.20.16 કરોડનું વળતર એફસીઆઈને ચૂકવવામાં આવ્યું છે. વડોદરાના કલેક્ટરના હુકમ બાદ તા.8ના રોજ જમીનનો કબજો બુલેટ ટ્રેન પ્રોજેક્ટને સોંપવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે પંડ્યા બ્રિજની નજીક બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું સ્ટેશન બની રહ્યું છે. આ સ્ટેશન પૂર્વ દિશામાં હતું જેથી બુલેટ ટ્રેનમાં મુસાફરી માટે પ્રવાસીઓએ તે સ્થળે આવવું જરૂરી હતું. શહેરના પશ્ચિમ દિશામાંથી પણ પ્રવાસીઓ નવા બનનારા ફૂટ ઓવરબ્રિજ પરથી આવીને બુલેટ ટ્રેનનો લાભ લઈ શકે તે માટે પ્રોજેક્ટનો વિસ્તાર કરવામાં આવ્યો છે અને તે માટે જમીનની જરૂરિયાત હોવાથી તે પણ પૂર્ણ થઇ ગઇ છે.















