વડોદરાઃ સોશ્યલ મીડિયાને કારણે ટીનેજર્સ પર આડઅસર થતી હોવાના અનેક કિસ્સા સામે આવી રહ્યા છે ત્યારે છાણીમાં રોકડ અને મોબાઇલ લઇ ગુમ થયેલા વિદ્યાર્થીનો પંદર દિવસ પછી પણ કોઇ પત્તો નહિ લાગતાં પરિવાર અને પોલીસની ચિંતા વધી છે.આવી જ રીતે હરણીની ધોરણ-૮ની એક વિદ્યાર્થિની બીજીવાર પલાયન થઇ જતાં હરણી પોલીસે તપાસ હાથ ધરી છે.
ફતેગંજની હોટલમાં નોકરી કરતી મહિલાએ તેના સંબંધીને મકાન લેવા માટે રૃ.૭૦ હજાર તિજોરીમાં મુક્યા હતા.જેમાંથી રૃ.૫૫ હજાર તેમજ મોબાઇલ લઇને તેમનો ધોરણ-૮માં અભ્યાસ કરતો પુત્ર ગઇ તા.૯મી મે એ ફરાર થઇ ગયો હતો.વિદ્યાર્થી તેના મિત્રની બાઇક પર લિફ્ટ લઇ છાણી રેલવે સ્ટેશને ગયો હતો.
વિદ્યાર્થીએ જતાંજતાં તેના મિત્રને મુંબઇ ખાતે કપડાં લઇને એક અઠવાડિયામાં આવીશ તેમ કહ્યું હતું.પરંતુ ત્યારબાદ તેનો હજી પત્તો નથી અને મોબાઇલ પણ બંધ થઇ ગયો છે.મોબાઇલ બંધ કરતા પહેલાં વિદ્યાર્થીએ સોશ્યલ મીડિયા પર ઘણાં મિત્રોને અનફોલો પણ કરી દીધા હતા.
ઉપરોક્ત બનાવ બાદ હરણીની સગીરા ઘરમાંથી બીજીવાર પલાયન થઇ જવાનો બનાવ બનતાં પોલીસે અપહરણનો ગુનો નોંધ્યો છે.૧૪વર્ષની સગીરા ધોરણ-૮માં ભણતી હોવાની અને મોબાઇલ પણ મૂકીને ગઇ હોવાની વિગતો પ્રાપ્ત થઇ છે.હરણીના પીઆઇ એસવી વસાવાએ કહ્યું હતું કે,અમારી ટીમો સીસીટીવી ફૂટેજ તેમજ સગીરાના સંપર્કોની તપાસ કરી રહી છે.તેને ફોસલાવીને અપહરણ કરવામાં આવ્યું હોવાની આશંકાછે.
17 વર્ષની સગીરાએ 23વર્ષના યુવક સાથે લગ્નની જિદ પકડી
શહેરના પૂર્વ વિસ્તારમાં એક સગીરાએ લગ્નની જિદ કરીને પરિવારને પરેશાન કરી દેતાં આખરે તેનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું.
૧૭વર્ષની સગીરા અભ્યાસને બદલે સોશ્યલ મીડિયા પર વધુ એક્ટિવ રહેતી હતી અને તેનાથી છ વર્ષ મોટી ઉંમરના યુવકના પ્રેમમાં ફસાઇ હતી.પરિવારને જાણ થતાં તેમણે સગીરાને સમજાવી હતી.પરંતુ તે કોઇનું માનવા તૈયાર નહતી અને અભ્યાસ પર પણ ધ્યાન આપતી નહતી.
સગીરાએ યુવક સાથે લગ્ન કરવાની જિદ પકડતાં અને ધમકીઓ આપવા માંડતા આખરે પરિવારે અભયમની મદદ લીધી હતી. ટીમે સગીરાનું કાઉન્સેલિંગકરી સમજાવતાં આખરે તેણે પોતાની જિદ છોડી હતી અને કારકિર્દી ઘડવા તૈયાર થઇ હતી.















