![]()
– બજારની તીવ્ર ગતિવિધિઓ દરમિયાન ટ્રેડિંગ સાતત્ય સુધારવા ઓપ્શન સ્ટ્રાઈક પ્રાઈસ રજૂ કરવા અને સમીક્ષા માટે માળખું પ્રસ્તાવિત
મુંબઈ : ઈક્વિટી માર્કેટના સૌથી વધુ વોલ્યુમ-જનરેટ કરતાં સેગ્મેન્ટ, ઓપ્શન્સ કોન્ટ્રાક્ટ્સ માટે સ્ટ્રાઈક પ્રાઈસની રજૂઆત અને વર્તમાન વ્યવસ્થાપનને નિયંત્રિત કરવા માટે એક માળખું મૂડી બજાર નિયામક તંત્ર સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)એ પ્રસ્તાવિત કર્યું છે.
પ્રસ્તાવિત પગલાંમાં ઈન-ધ-મની અને આઉટ-ઓફ-ધ-મની કોન્ટ્રાક્ટસની ઓછામાં ઓછી સંખ્યાની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે ઓપ્શન કોન્ટ્રાક્ટ્સ રજૂ કરવાના નિયમો, ટ્રેડિંગ સાતત્ય જાળવવા માટે પ્રવર્તમાન બજાર ભાવોની આસપાસ સ્ટ્રાઈક ઉપલબ્ધતાની દૈનિક સમીક્ષાઓ અને પ્રવર્તમાન બજાર લેવલોની નોંધપાત્ર રીતે દૂરના સ્ટ્રાઈક ભાવોને સમયાંતરે દૂર કરવાનો સમાવેશ થાય છે.
આ દરખાસ્ત એવી ચિંતાઓ વચ્ચે આવી છે કે, અન્ડરલાઈંગ એસેટ્સમાં તીવ્ર ઈન્ટ્રા-ડે સ્વિંગ કિંમતોને સૌથી દૂર ઉપલબ્ધ સ્ટ્રાઈક ભાવથી આગળ ધકેલી શકે છે, જેના કારણે ટ્રેડરોને યોગ્ય ઓપ્શન્સ કોન્ટ્રાક્ટસ વિના હેજ અથવા પોઝિશન લીધા વિના છોડી દેવું પડે છે. સોમવારે રજૂ કરાયેલા એક કન્સલ્ટેશન પેપરમાં, મૂડી બજાર નિયામક તંત્રએ નોંધ્યું હતું કે, સૌથી દૂરના ઉપલબ્ધ સ્ટ્રાઈક પછી ભાવમાં નોંધપાત્ર ફેરફારના કિસ્સાઓમાં યોગ્ય ઓપ્શન્સ કોન્ટ્રાક્ટના અભાવને કારણે બજારના સહભાગીઓને અસુવિધાનો સામનો કરવો પડી શકે છે. પ્રસ્તાવિત માળખું વધુ માળખાગત અને પ્રતિભાવશીલ પદ્વતિ દ્વારા આ અંતરને દૂર કરવાનો પ્રયાસ કરે છે.
હાલમાં, લોંગ-ડેટેડ ઈન્ડેક્સ ઓપ્શન્સ માટે સ્ટ્રાઈક અંતરાલોના તર્કસંગતકરણ સાથે કામ કરતું ફક્ત એક જ નિયમનકારી માળકું છે, જ્યારે સ્ટોક એક્સચેન્જો અંતર્ગત અને ફયુચર્સ કોન્ટ્રાક્ટ પર ઓપ્શન્સ માટે સ્ટ્રાઈક ઈન્ટર્વલ્સ-અંતરાલોનું સંચાલન કરવા માટે અલગથી તેમની પોતાની પદ્વતિઓનું પાલન કરે છે.















