![]()
Vadodara Cirme : વડોદરા શહેરના ન્યાય મંદિર પાસે આવેલા ભગતસિંહ ચોક ખાતે ગઈકાલે રાત્રે એક જ કોમના બે જૂથો વચ્ચે મારામારીની ઘટના બનતા વિસ્તારમાં તણાવનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં ચાર વ્યક્તિને ઓછી વતી ઇજા પહોંચી હોવાનું સામે આવ્યું છે. બંને પક્ષની સામસામી ફરિયાદના આધારે નવાપુરા પોલીસે પાંચ વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મદનઝાંપા રોડ દૂધવાળા મહોલ્લામાં રહેતા અને પ્લમ્બિંગ સામાનની દુકાન ધરાવતા તાહિરહુસેન ગાદીવાલાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેઓ તેમના મિત્રો મોહમ્મદફારુક ગાદીવાલા અને અયાઝ નસુકવાલા સાથે ઊભા હતા ત્યારે સમીર ઈલાયચીવાલા અને સોએબ ઈલાયચીવાલા ત્યાં આવ્યા હતા. અગાઉના ઝઘડાની અદાવત રાખી બંનેએ “તારે અહીંયા આવવાનું નહીં” કહી ઝઘડો શરૂ કરી મારામારી કરી હતી. લાકડાના દંડાથી હુમલો કરતા તેમને હાથના ભાગે ઇજા પહોંચી હતી. દરમિયાન તેમના ફળિયામાં રહેતા નુહ છેલાવાલાને પણ માથાના ભાગે ઇજા પહોંચી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
બીજી તરફ ડિલિવરી બોય તરીકે કામ કરતા સમીર ઈલાયચીવાલાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તાહિરહુસેન, મોહમ્મદફારૂક અને અયાઝ નસુકવાલાએ અગાઉના ઝઘડાની અદાવત રાખી તેમની સાથે ઝઘડો કર્યો હતો. તેમજ તેમને અને તેમના પિતાને લાકડાના દંડાથી માર મારતા પિતા-પુત્ર બંનેને ઇજા પહોંચી હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે.
સમગ્ર ઘટનાને લઈને નવાપુરા પોલીસે બંને પક્ષની ફરિયાદના આધારે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.















