Ebola Outbreak : આફ્રિકામાં ઈબોલા વાયરસનો પ્રકોપ ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) ના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં 900થી વધુ શંકાસ્પદ કેસ સામે આવ્યા છે, જ્યારે 223 લોકોના મોતના અહેવાલ છે. સૌથી ગંભીર સ્થિતિ કોંગોમાં છે, જ્યાં 112 સંક્રમિતો અને 11 દર્દીઓના મોતની પુષ્ટિ થઈ ચૂકી છે. આ ઉપરાંત પાડોશી દેશ યુગાન્ડામાં પણ ચેપ ફેલાઈ રહ્યો છે, જ્યાં અત્યાર સુધીમાં 8 દર્દીઓ અને 1 વ્યક્તિના મોતની પુષ્ટિ થઈ છે. WHOના વડા ટેડ રોસે જણાવ્યું છે કે, હેલ્થ એજન્સીઓ યુદ્ધના ધોરણે કામગીરી કરી રહી છે, પરંતુ વાયરસના ઝડપી ફેલાવાને કારણે પરિસ્થિતિ પડકારજનક બની છે.
‘બુંડીબુગ્યો સ્ટ્રેન’ કેમ છે વધુ ખતરનાક?
આ વખતે ઈબોલાનો ‘બુંડીબુગ્યો સ્ટ્રેન’ (Bundibugyo strain) ફેલાઈ રહ્યો છે, જે આ વાયરસનો એક અત્યંત દુર્લભ પ્રકાર છે. આ સ્ટ્રેન માટે હાલમાં કોઈ ખાસ વેક્સિન કે ચોક્કસ સારવાર ઉપલબ્ધ નથી, જેના કારણે રોગને કાબૂમાં લેવો મુશ્કેલ બની રહ્યો છે. WHOના મતે, આ સ્ટ્રેનમાં મૃત્યુદર 30% થી 50% સુધી હોઈ શકે છે. આ વાયરસ સૌપ્રથમ 2007માં યુગાન્ડાના બુંડીબુગ્યો વિસ્તારમાં જોવા મળ્યો હતો.
ક્યાંથી શરૂ થયું સંક્રમણ?
આ ચેપ મે 2026માં કોંગોના ઈતુરી પ્રાંતમાંથી શરૂ થયો હતો. આ વિસ્તાર લાંબા સમયથી હિંસા અને સંઘર્ષથી પ્રભાવિત છે. અહીં મોટી સંખ્યામાં વિસ્થાપિત લોકો અને સોનાની ખાણોમાં કામ કરતા મજૂરો રહે છે. લોકોની સતત અવરજવરને કારણે વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે, અને હવે તે નોર્થ કિવુ અને સાઉથ કિવુ પ્રાંત સુધી પહોંચી ગયો છે. સાઉથ કિવુના કેટલાક ભાગો પર બળવાખોર સંગઠનનો કબજો છે.
હોસ્પિટલ પર હુમલા અને ભાગતા દર્દીઓ
કોંગોમાં ઈબોલા સામેની લડાઈ વચ્ચે હોસ્પિટલો પર સશસ્ત્ર હુમલા થઈ રહ્યા છે. ઈતુરી પ્રાંતની મોંગબ્વાલુ જનરલ રેફરલ હોસ્પિટલ પર સતત બે દિવસ હુમલો કરવામાં આવ્યો હતો, અને સારવાર માટેના ટેન્ટને આગ ચાંપી દેવામાં આવી હતી. હુમલા બાદ 18 ઈબોલા દર્દીઓ હોસ્પિટલમાંથી ભાગી ગયા હતા, જેમાંથી એક દર્દી પોઝિટિવ હતો અને તે હજુ પણ સામાન્ય લોકોની વચ્ચે ફરી રહ્યો છે. બીજા દિવસે થયેલા હુમલામાં વધુ 7 દર્દીઓ ભાગી ગયા હતા. નિષ્ણાતોના મતે, ઈબોલાથી મૃત્યુ પામેલા લોકોના મૃતદેહો અત્યંત ચેપી હોય છે, અને સુરક્ષા વગર અંતિમ સંસ્કાર કરવાથી સંક્રમણ વિસ્ફોટક રૂપ લઈ શકે છે.
ભારતમાં લેવાયેલા કડક પગલાં
ભારત સરકારે આ ખતરાને જોતા તકેદારીના ભાગરૂપે કડક ગાઈડલાઈન જાહેર કરી છે. કોંગો અને યુગાન્ડાથી આવતી ફ્લાઈટ્સ પર કોવિડ જેવા જ પ્રોટોકોલ લાગુ કરાયા છે. એરપોર્ટ પર થર્મલ સ્ક્રિનિંગ અને શંકાસ્પદ મુસાફરોને પ્લેનમાં અલગ બેસાડવાના નિયમો લાગુ કરાયા છે. સાથેજ વેલ એડવાઈઝરી જાહેર કરીને સરકારે નાગરિકોને આગામી સૂચના સુધી ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો, યુગાન્ડા અને દક્ષિણ સુદાનની યાત્રા ન કરવા સલાહ આપી છે.
કેરળમાં 21 દિવસનું ક્વોરેન્ટાઇન
કોરોનાકાળમાં પણ જેમ પહેલો કેસ કેરળના ત્રિશુરમાં નોંધાયો હતો, તેવી જ રીતે આ વખતે પણ કેરળ સરકારે પ્રભાવિત દેશોમાંથી આવતા મુસાફરો માટે પહેલાથી જ 21 દિવસનું ક્વોરેન્ટાઇન ફરજિયાત કર્યું છે.
બેંગલુરુનો કેસ નેગેટિવ
તાજેતરમાં જ યુગાન્ડાથી બેંગલુરુ પરત ફરેલી એક મહિલાને આઈસોલેશનમાં રાખવામાં આવી હતી, પરંતુ નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ વાયરોલોજી (NIV) ના રિપોર્ટમાં ઈબોલા નેગેટિવ આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.
વૈશ્વિક સ્તરે શું પગલાં લેવાયા?
WHOએ ઈબોલાના બુંડીબુગ્યો સ્ટ્રેનને ‘ઇન્ટરનેશનલ હેલ્થ ઇમરજન્સી’ જાહેર કરી છે. આફ્રિકાના CDCએ એટલે કે આફ્રિકા સેન્ટર ફોર ડિસિઝ કંટ્રોલે 9 દેશોને હાઈ-રિસ્ક કેટેગરીમાં મુક્યા છે. જેમાં અંગોલા, બુરુન્ડી, સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક, ઇથોપિયા, કેન્યા, રવાન્ડા, દક્ષિણ સુદાન, તાન્ઝાનિયા અને ઝામ્બિયા જેવા દેશ હાઈ-રિસ્ક કેટેગરીમાં મૂક્યા છે. યુરોપિયન યુનિયને (EU) વાયરસના ટ્રેકિંગ માટે આફ્રિકા CDCને 2 મિલિયન યુરો (આશરે ₹22 કરોડ)નું ફંડિંગ આપ્યુ છે. અમેરિકા અને કેનેડાએ પોતાના દેશવાસીઓ માટે પ્રભાવિત દેશોની યાત્રા ન કરવા એડવાઈઝરી બહાર પાડી છે, જ્યારે કેનેડાએ આ દેશોના નાગરિકો માટે વિઝા અને ઇમિગ્રેશન પ્રક્રિયા 90 દિવસ માટે સ્થગિત કરી દીધી છે. તો યુગાન્ડાએ કોંગો સરહદ પર અવરજવર અને ફ્લાઈટ્સ કામચલાઉ ધોરણે બંધ કરી દીધી છે.
ઈબોલા વાયરસ કેવી રીતે ફેલાય છે અને તેના લક્ષણો શું?
ઈબોલા વાયરસ સૌપ્રથમ 1976માં આફ્રિકામાં જોવા મળ્યો હતો. વાયરસ સંક્રમિત વ્યક્તિના લોહી, શારીરિક પ્રવાહી (body fluids), કપડાં, પથારી અને તબીબી ઉપકરણોના સંપર્કમાં આવવાથી ફેલાય છે. આ ઉપરાંત ચામાચીડિયા, ચિમ્પાન્ઝી, ગોરિલા અને વાંદરા જેવા સંક્રમિત પ્રાણીઓના સંપર્કથી પણ મનુષ્યોમાં ફેલાય છે.
ઈબોલા વાયરસના મુખ્ય લક્ષણો
શરૂઆતમાં તાવ, નબળાઈ અને શરીરનો દુખાવો જેવા લક્ષણો દેખાય છે. સ્થિતિ ગંભીર થવા પર ઉલ્ટી, ડાયરિયા અને શરીરમાંથી લોહી વહેવા જેવી ગંભીર સમસ્યાઓ થાય છે.
વાયરસ ઓળખવામાં મુશ્કેલી !
તબીબોના મતે, આ વાયરસના શરૂઆતી લક્ષણો મેલેરિયા જેવા સામાન્ય રોગોને મળતા આવતા હોવાથી તેની તાત્કાલિક ઓળખ કરવી મુશ્કેલ બને છે, જેના કારણે સંક્રમણ ઝડપથી ફેલાય છે.















