![]()
વડોદરાઃઅભ્યાસને બદલે પ્રેમના પાઠ ભણતા સગીરવયના વિદ્યાર્થીઓ તેમના પરિવારને કેવી મુશ્કેલીમાં મુકી દે છે તેનો વધુ એક કિસ્સો બહાર આવ્યો છે.
સગીરવયની વિદ્યાર્થિની ધોરણ-૯માં અભ્યાસ કરતી હતી ત્યારે એક વિદ્યાર્થી સાથે પરિચયમાં આવી હતી અને ત્યારબાદ બંને વચ્ચે પ્રેમ સબંધ બંધાયા હતા.સગીરા તેના બોયફ્રેન્ડને પરિવારજનો સમક્ષ પણ લાવી હતી અને પરિચય કરાવ્યો હતો.
પરિવારે બોયફ્રેન્ડ સમજીને કોઇ વાંધો લીધો નહતો.પરંતુ ત્યારબાદ સગીરાનું અભ્યાસમાં ધ્યાન નહિ લાગતાં પરિણામ પર અસર પડી હતી.મોબાઇલ પર ચેટિંગ અને બીજી હરકતોથી માતાને શંકા થઇ હતી,જેથી પુત્રીને પૂછતાં તેણે બોયફ્રેન્ડ સાથે લગ્ન કરવાની વાત કરી હતી. જો કે બોયફ્રેન્ડની ઉંમર પણ લગ્ન જેટલી નહિ હોવાથી અને સગીરાને કારકિર્દી ઘડવાની હોવાથી પરિવારે મંજૂરી આપી નહતી.
ત્યારબાદ સગીરાનું વર્તન બદલાઇ ગયું હતું અને ધાકધમકી આપી ઘર છોડી દેતી હતી.જેથી કંટાળેલા પરિવારે અભયમની મદદ લેતાં બંને વિદ્યાર્થીનું કલાકો સુધી કાઉન્સેલિંગ કરાતાં તેઓ કારકિર્દી પર ધ્યાન આપવા સંમત થયા હતા.















