CBSE Class 12th Re-Evaluation Application Portal : સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા ધોરણ 12ની ઉત્તરવહીઓના રી-વેલ્યુએશન (પુનઃમૂલ્યાંકન) માટે નવું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. CBSE એ સ્પષ્ટ કર્યું છે કે ધોરણ 12ની કૉપીઓના રી-વેલ્યુએશન માટેનું ઓનલાઈન અરજી પોર્ટલ હવે 1 જૂન 2026 થી શરૂ થશે. અગાઉ બોર્ડ દ્વારા આ પ્રક્રિયા 29 મેથી શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ વિદ્યાર્થીઓ માટે વધુ પારદર્શક અને ભૂલ-મુક્ત પ્રક્રિયા સુનિશ્ચિત કરવા માટે તારીખમાં ફેરફાર કરીને તેને 1 જૂન કરવામાં આવી છે. આ અગાઉ 12માં ધોરણના વિદ્યાર્થીઓ 4 લાખથી વધુ સ્કેન કોપીઓ મેળવી ચૂક્યા છે, જેથી મોટાભાગના વિદ્યાર્થીઓ રી-વેલ્યુએશન માટે અરજી કરે તેવી શક્યતા છે.
તારીખ બદલવા અંગે CBSE એ શું કહ્યું?
CBSE એ જણાવ્યું છે કે, જે વિદ્યાર્થીઓ તેમની ઉત્તરવહીઓની ચકાસણી (Verification) અને રી-વેલ્યુએશન (Re-evaluation) માટે અરજી કરવા માંગે છે, તેમના માટે નિર્ધારિત પોર્ટલ હવે 1 જૂન 2026 થી કાર્યરત થશે. તેનો મુખ્ય હેતુ મૂલ્યાંકનના ઉચ્ચતમ ધોરણો અને પ્રોટોકોલ જાળવી રાખવાનો છે.
હેલ્પલાઈન નંબર : વિદ્યાર્થીઓ કોઈપણ પ્રકારની ફરિયાદ કે મૂંઝવણ માટે ટેલી-કાઉન્સેલિંગ હેલ્પલાઈન નંબર – 1800 11 8004 અથવા ઈમેલ આઈડી – resultcbse2026@cbseshiksha.in પર સંપર્ક કરી શકે છે.
CBSE 12th Re-evaluation: અરજી કેવી રીતે કરવી?
સૌથી પહેલા CBSE ની સત્તાવાર વેબસાઇટ પર જાઓ.
હોમપેજ પર આપેલા ‘Post Result Services’ અથવા ‘Verification and Re-evaluation’ સેક્શન પર ક્લિક કરો.
લોગિન કરવા માટે તમારો રોલ નંબર અને એડમિટ કાર્ડ આઈડી (Admit Card ID) દાખલ કરો.
(નોંધ: આ પ્રક્રિયામાં માત્ર એ જ વિદ્યાર્થીઓ આગળ વધી શકશે, જેમણે અગાઉ પોતાની આન્સર શીટની ફોટોકોપી મેળવી લીધી છે).
હવે તમે જે પ્રકારની અરજી કરવા માંગો છો તે પસંદ કરો
માર્ક્સ વેરિફિકેશન
રી-ઇવેલ્યુએશન
વેરિફિકેશન અને રી-ઇવેલ્યુએશન બંને
તમે જે વિષયોનું રી-ચેકિંગ કરાવવા માંગો છો તે એક અથવા વધુ વિષયો પસંદ કરો.
રી-ઇવેલ્યુએશન માટે વિદ્યાર્થીઓ જે ચોક્કસ પ્રશ્ન નંબરની ફરીથી તપાસ કરાવવા માંગતા હોય તે પ્રશ્ન નંબર પસંદ કરો.
બધી વિગતો એકવાર ધ્યાનથી ચેક કરી લો.
નક્કી કરેલી ફીની ઓનલાઈન ચૂકવણી (Online Payment) કરો.
એપ્લિકેશન ફોર્મ સબમિટ કરો અને કન્ફર્મેશન પેજ ડાઉનલોડ કરીને સેવ કરી લો.
4 લાખથી વધુ વિદ્યાર્થીઓએ આન્સર શીટની ફોટોકોપી માંગી
CBSE દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, 26 મે સુધીમાં ઉત્તરવહીઓની સ્કેન કોપી મેળવવા માટે કુલ 4,04,319 અરજીઓ મળી હતી. આ વિદ્યાર્થીઓએ કુલ 11,31,961 આન્સર શીટની ફોટોકોપી માટે ડિમાન્ડ કરી હતી. જેમાંથી બોર્ડ દ્વારા ડિજિટલ માધ્યમથી કુલ 8,98,214 આન્સર શીટની નકલો વિદ્યાર્થીઓને ઉપલબ્ધ કરાવી દેવામાં આવી છે.















