![]()
મેનેજરે દેવું થઇ જતાં નાણાકીય ગેરરીતિ આચરી
પેઢીના હિસાબોમાં ગરબડ જણાતાં પેઢીના માલિકે તપાસ હાથ ધરી તો કૌભાડ સામે આવ્યું, અંતે પોલીસમાં ફરિયાદ નોંધાવી
ગોંડલ: ગોંડલની આંગડીયા પેઢીના મેનેજરે પોતાનાં ઉપર દેવુ થઇ જતા બનેવીની મદદથી પેઢીમાં રૂ.૨.૩૧ કરોડની ઉચાપત કરી આથક કૌભાંડ આચરતા પોલીસ ફરિયાદ થઇ છે. છેલ્લાં ૧૪ વર્ષથી મેનેજર તરીકે કામ કરતા શખ્સે માલિકના વિશ્વાસનો દુરુપયોગ કરી અને પેઢીમાંથી નાણાંકીય ગેરરીતિ આચરી હોવાનું ખુલ્યું છે.
રાજકોટના જીવરાજપાર્ક વિસ્તારમાં રહેતા અને ગોંડલમાં પી.એમ. આંગડિયા પેઢી ધરાવતા ૬૭ વર્ષીય હર્ષદભાઈ બોરીયાની પેઢીમાં મયુર ઢોલ નામનો શખ્સ લાંબા સમયના વિશ્વાસના કારણે પેઢીનો તમામ આથક વહીવટ સંભાળતો હતો. મેનેજર મયુરે જૂનાગઢમાં રહેતા પોતાના બનેવી જલ્પેશ ઝાપડિયા સાથે મળીને પેઢીમાંથી કુલ ૨.૬૧ કરોડની નાણાંકીય ગેરરીતિ આચરી હતી.
ગત માસમાં મયુરે શાપર, જેતપુર અને ધોરાજીની વિવિધ બ્રાન્ચમાંથી આશરે ૧.૧૭ કરોડ ઉપાડી લીધા હતા, આ ઉપરાંત અગાઉના હિસાબના ૧.૪૪ કરોડ પણ બાકી હતા. હિસાબોમાં ગરબડ જણાતા હર્ષદભાઈએ શાપર અને જેતપુર બ્રાન્ચના સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતાં. જેમાં મેનેજરનો બનેવી જલ્પેશ નાણાં ઉપાડતો જોવા મળ્યો હતો. ચોરી પકડાઈ ગયા પછી આરોપીઓએ જૂનાગઢ બ્રાન્ચમાંથી માત્ર ૩૦ લાખ પરત કર્યા હતા, પરંતુ બાકીના ૨.૩૧ કરોડ આપવાનો સાફ ઇનકાર કરી દીધો હતો.
જ્યારે હર્ષદભાઈએ રૂબરૂ મળીને ઉઘરાણી કરી, ત્યારે મમયુરે ધમકીભર્યા અવાજમાં કહ્યું કે, મારા પર દેણું થઈ ગયું હોવાથી મેં પૈસા લીધા છે. હવે મારી પાસે આપવા માટે કંઈ નથી, તમે આ પૈસા ભૂલી જાઓ. આ વાતચીત અને ગુનાની કબૂલાતનું માલિકની દીકરીએ પોતાના મોબાઈલમાં વીડિયો રેકોડગ કરી લીધું હતું. નાણાં પરત ન મળતા આખરે હર્ષદભાઈ બોરીયાએ ગોંડલ સિટી પોલીસ સ્ટેશનમાં મેનેજર મયુર ઢોલ અને તેના બનેવી જલ્પેશ ઝાપડિયા વિરૂધ્ધ છેતરપિંડી તથા વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે. પી.આઈ. જે.આર. ઝાલા એ તપાસ હાથ ધરી છે.















