![]()
Gujarat Road Safety Report: ગુજરાતમાં ટ્રાફિક નિયમોના ઉલ્લંઘનને કારણે માર્ગ અકસ્માત ચિંતાજનક રીતે વધી રહ્યા છે. ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીના તાજેતરના અહેવાલમાં વાહન ચાલકોની ઘોર બેદરકારીનો ખુલાસો થયો છે. વર્ષ 2024 દરમિયાન માત્ર હેલ્મેટ અને સીટ બેલ્ટ ન પહેરવાને કારણે 3,924 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.
માર્ગ સુરક્ષાના નિયમો પ્રત્યે ગંભીર બેદરકારી
રોડ સેફ્ટી રિપોર્ટના આંકડા દર્શાવે છે કે, મોટાભાગના અકસ્માતોમાં જો ચાલકોએ સુરક્ષાના સાધનોનો ઉપયોગ કર્યો હોત, તો તેમનો જીવ બચાવી શકાયો હોત. ટુ વ્હીલર વાહન ચાલકોમાં હેલ્મેટ વિના ડ્રાઇવિંગ કરવાનું ચલણ અને ફોર-વ્હીલર ચાલકોમાં સીટબેલ્ટ પ્રત્યેની ઉદાસીનતા સીધી રીતે મોતને આમંત્રણ આપી રહી છે. પોલીસ તંત્ર દ્વારા અવારનવાર દંડનીય કાર્યવાહી અને જાગૃતિ અભિયાન ચલાવવા છતાં વાહન ચાલકો પોતાની સુરક્ષાને ગંભીરતાથી લેતા નથી.
વર્ષ 2024 દરમિયાન માત્ર હેલ્મેટ ન પહેરવાને કારણે 3,021 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. જ્યારે સીટબેલ્ટ ન બાંધવાની નાની લાગતી ભૂલ બદલ 903 વાહન ચાલકો અકસ્માતમાં કાળનો કોળિયો બન્યા છે.
આ ચોંકાવનારા આંકડા સામે આવ્યા બાદ પરિવહન વિભાગ અને ટ્રાફિક પોલીસે લોકોને અપીલ કરી છે કે, વાહન ચલાવતી વખતે હેલ્મેટ અને સીટબેલ્ટ એ માત્ર પોલીસના દંડથી બચવા માટે નથી, પરંતુ તે અકસ્માત સમયે જીવ બચાવવા માટેની કવચ છે. હવે તંત્ર પણ નિયમોનો ભંગ કરીને ડ્રાઇવિંગ કરતાં વાહનચાલકો સામે કડક પગલાં લેવાની તૈયારી કરી રહ્યું છે.















