![]()
Surat News: સુરતના સરથાણા ખાતે સીમાડામાં બાપા સીતારામ ચોક પાસે હોટેલના એક રૂમમાં આજે બપોરે એક દંપતિએ સાથે ઝેરી દવા ગટગટાવીને આપધાતનો પ્રયાસ કરતા ત્યાં દોડધામ થઈ જવા પામી હતી. જેમાં પત્નીનું કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે પતિની હાલત અત્યંત ગંભીર હોવાથી તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યારે પતિનું પણ આજે (23મી જૂન) મોત થયું છે.
જાણો શું છે સમગ્ર મામલો
મળતી માહિતી અનુસાર, સરથાણામાં સીમાડા ખાતે બાપા સીતારામ ચોક ખાતે સિલ્વર બિઝનેસ હબમાં આવેલી હોટલના રૂમમાં સોમવારે (22મી જૂન) બપોરે એક યુવાન અને એક યુવતી ઝેરી દવા પી ગયા હતા. આ અંગે ત્યાના સ્ટાફ અને બંને પરિવાર તથા પોલીસને જાણ થતા રૂમમાં દોડી આવ્યા હતા. યુવતીને સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી. જ્યારે યુવાનને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જતા દાખલ કર્યો હતો. પતિનું પણ આજે (23મી જૂન) મોત થયું છે.
આ પણ વાંચો: અમદાવાદ: પેન્શન કાર્ડ વેરિફિકેશન માટે APK ઇન્સ્ટોલ કરવી ઠગે ચાંદખેડાના વૃદ્ધને લૂંટ્યા, ખાતામાંથી 39 લાખ ઉપાડી લીધા
સામાજિક રીતે લગ્નમાં અડચણની શંકાથી પગલું ભર્યું
સરથાણા પોલીસની તપાસ દરમિયાન બંને પતિ-પત્ની હોવાનું જણાયું હતું. જેમાં 23 વર્ષીય માનસી ઉમરેટિયા અને 24 વર્ષીય અભય ત્રાડા હોવાની ઓળખ થઈ હતી. તેમના પરિચિત વ્યક્તિના જણાવ્યાનુસાર, બંને એકબીજાને પ્રેમ કરતા હોવાથી બે વર્ષ પહેલા કોર્ટ મેરેજ કર્યા હતા. બાદમાં એકાદ વર્ષ પહેલા બંનેના પરિવારજનો સંમતિ મળતા સગાઈ કરી હતી અને આગામી સમયમાં સામાજિક રીતે પણ બંનેના ધામધૂમથી લગ્ન કરવાના હતા. જ્યારે આગામી સમયમાં લગ્ન યોજવા માટે છોકરીના પરિવારજનો તારીખ આપતા ન હતા. આવા સંજોગોના લીધે તેમના સામાજીક રીતે લગ્નમાં અડચણ આવાની શંકામાં આ પગલું ભર્યું હોવાની શક્યતા છે.
માનસી મુળ અમરેલી જિલ્લામાં ધારી તાલુકામાં ગીગાસણ ગામની વતની હતી. તેને એક બહેન છે. તેના પિતા રેતી કંપચીનો ધંધો સાથે સંકળાયેલા છે. તેના મોતના લીધે તેમના પરિવારજનો આભ તુટી પડ્યું છે. જ્યારે અભય મૂળ જૂનાગઢના ભેંસાણ વતની છે. તે મકાન દલાલી કરે છે. તેના પિતા રત્નકલાકાર તરીકે કામ કરતો હતો. તેનો એક ભાઈ છે.















