Ahmedabad Blood Plasma Scam: અમદાવાદ ગ્રામ્ય સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા ચાંગોદર વિસ્તારમાં લોકો સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા એક ખૂબ જ ગંભીર અને મોટા રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ફાર્મા કંપનીઓમાં સપ્લાય થતા અસલી બ્લડ પ્લાઝમાની ચોરી કરી, તેના બદલે ભેળસેળ કરીને નકલી પ્લાઝમા સપ્લાય કરતી ગેંગના મુખ્ય સૂત્રધાર સહિત કુલ 4 આરોપીઓની પોલીસે લાખો રૂપિયાના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે.
આ રીતે ઓપરેશન પાર પડાયું
મળતી માહિતી અનુસાર, અમદાવાદ ગ્રામ્ય એસ.ઓ.જી.ને બાતમી મળી હતી કે ચાંગોદર બાજુ એક ભાડાના મકાનમાં નકલી પ્લાઝમા બનાવવાનું નેટવર્ક ચાલી રહ્યું છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને રેડ પાડી હતી, જ્યાંથી નકલી પ્લાઝમા બનાવવાનું મટીરીયલ મળી આવ્યું હતું. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તપાસ દરમિયાન મુખ્ય સૂત્રધાર દિનેશ ચૌધરી (ધાનેરા), મોહન ગાયકવાડ (મહારાષ્ટ્ર), રફીક (ધોળકા) અને જીતેન્દ્ર સોલંકી (ધોળકા)ને પકડી પાડવામાં આવ્યા છે.
પોલીસે આરોપીઓ પાસેથી ₹11,00,000ની કિંમતના 1150 બ્લડ પ્લાઝમા યુનિટ, એક ડીપ ફ્રીઝર, કેમિકલ બોટલ્સ, સીલિંગ મશીન, 34 ખાલી પ્લાઝમા બેગ અને ટ્રાન્સપોર્ટેશન માટે વપરાતું એક વાહન સહિત કુલ રૂપિયા 15 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આ પણ વાંચો: અમદાવાદની રથયાત્રા માટે ભગવાનના સાત જોડી વિશેષ વાઘા તૈયાર, કાપડ ખાસ વૃંદાવનથી મંગાવાયું
ફાર્માસ્યુટીકલ્સ કંપના પૂર્વ એક્ઝિક્યુટિવે ડ્રાઈવરો સાથે મળી રચ્યું કૌભાંડ
મુખ્ય આરોપી દિનેશ ચૌધરી અગાઉ ફાર્માસ્યુટીકલ્સ કંપનીઓમાં બ્લડ પ્લાઝમા કલેક્શન એક્ઝિક્યુટિવ તરીકે કામ કરી ચૂક્યો હોવાથી તેને આ આખી પ્રક્રિયાનું પૂરતું નોલેજ હતું. તે પ્લાઝમા કલેક્શન વાહનના ડ્રાઈવર જીતેન્દ્ર અને કો-ડ્રાઈવર રફીક સાથે મળીને આ ગુનો આચરતો હતો. જ્યારે આ ડ્રાઈવરો મહારાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાંથી ઓરિજનલ પ્લાઝમા કલેક્ટ કરીને પરત ફરતા, ત્યારે તેઓ કંપનીમાં ડાયરેક્ટ ડિલિવરી કરવાના બદલે વાહન દિનેશના ઘરે લઈ જતા હતા. ત્યાં દિનેશ અસલી અને ઉચ્ચ ગુણવત્તાવાળા પ્લાઝમા યુનિટ્સ કાઢી લેતો હતો અને જથ્થો જાળવી રાખવા માટે તેની જગ્યાએ સલાઈન વોટરવાળા નકલી પ્લાઝમા યુનિટ્સ ગાડીમાં ગોઠવી કંપનીમાં મોકલી દેતો હતો. આ ગેંગ છેલ્લા છ મહિનાથી આ નેટવર્ક ચલાવતી હતી.
અસલી પ્લાઝમા અડધી કિંમતે બ્લડ બેન્કોમાં વેચતા
આ અંગે વિગતો આપતા અમદાવાદ ગ્રામ્ય SP ઓમ પ્રકાશ જાટના જણાવ્યું કે, ‘આ ગેંગ છેલ્લા છ મહિનાથી આ નેટવર્ક ચલાવતી હતી. તેઓ ડ્રાઈવર અને ખલાસીની મદદથી ટ્રાન્સપોર્ટેશન વખતે ઓરિજનલ પ્લાઝમાની બેગો કાઢી લેતા અને તેને નકલી પ્લાઝમા જે પ્રાથમિક તપાસમાં સલાઈન વોટર જેવું હોવાનું જણાયું છે તેને બદલી નાખતા હતા. ત્યારબાદ તેઓ ચોરેલો ઓરિજનલ પ્લાઝમા બજારભાવ કરતા 50% ઓછી કિંમતે ફરીથી બ્લડ બેન્કોમાં વેચી મારતા હતા.’
આરોપી અંગે SP ઓમ પ્રકાશ જાટના જણાવ્યું કે, ‘આ પ્લાઝમાનો ઉપયોગ ફાર્મા ઇન્ડસ્ટ્રીમાં એન્ટી કેન્સર ડ્રગ્સ બનાવવા માટે થાય છે, અને હિમોફિલિયા તેમજ એન્ટી ઇમ્યુન ડિસઓર્ડર ધરાવતા દર્દીઓને તે સીધો પણ ચડાવવામાં આવે છે. વળી, તેઓ ચોરેલો અસલી પ્લાઝમા પણ પ્રોટોકોલ મુજબ -8 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રાખવાને બદલે સામાન્ય આઈસ બોક્સમાં રાખતા હોવાથી તે બગડી જતો હતો અને દર્દીઓ માટે જોખમી બની જતો હતો. આ નકલી પ્લાઝમા કઈ કઈ ફાર્મા કંપનીઓમાં ગયો છે, કેટલા દર્દીઓ સુધી પહોંચ્યો છે અને તેમના તમામ નાણાકીય વ્યવહારો અંગેની ઊંડી તપાસ હાલ અમારી એસઓજી ટીમ કરી રહી છે.’
દર્દીઓ માટે અત્યંત જોખમી કેમ?
બ્લડ પ્લાઝમા એ માનવ લોહીનો અત્યંત મહત્ત્વપૂર્ણ ઘટક છે. ફાર્મા ઇન્ડસ્ટ્રીમાં તેનો ઉપયોગ ઇમ્યુનોગ્લોબ્યુલિન, આલ્બ્યુમિન અને ક્લોટિંગ ફેક્ટર જેવા જરૂરી ઘટકો એટલે કે એન્ટી કેન્સર ડ્રગ્સ (કેન્સર વિરોધી દવાઓ) બનાવવા માટે થાય છે. આ ઉપરાંત, હિમોફિલિયા અને એન્ટી-ઇમ્યુન ડિસઓર્ડર (રોગપ્રતિકારક શક્તિની ખામી) ધરાવતા દર્દીઓને સારવાર માટે આ પ્લાઝમા સીધો જ ચડાવવામાં આવે છે.















