![]()
વડોદરા,બે સંતાનોની માતાને ફોટા વાયરલ કરી દેવાની ધમકી આપી શારીરિક શોષણ કરતા ટૂર ઓપરેટરની માંજલપુર પોલીસે ધરપકડ કરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, માંજલપુર અલવાનાકા ઝવેરીનગરમાં રહેતો ધર્મેન્દ્ર સુરેશભાઇ ત્રિવેદી ટૂર ઓપરેટરનું કામ કરે છે. તેની જેમ જ ટૂર ઓપરેટિંગનું કામ કરતી ૩૮ વર્ષની બે સંતાનોની માતા સાથે તેને સંપર્ક થતા મિત્રતા થઇ હતી. તે દરમિયાન આરોપીએ મહિલાને ચુંબન કરતા ફોટા પાડયા હતા. તે ફોટા વાયરલ કરી દેવાની ધમકી આપી આરોપીએ મહિલાનું શારીરિક શોષણ શરૃ કર્યું હતું. ઉજ્જૈન અને માંજલપુર તુલસીધામ ચાર રસ્તા પાસે આવેલી હોટલ આર.કે.વિલામાં મહિલાને લઇ જઇ અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા. તદુપરાંત મહિલા જ્યારે ઘરે એકલી હોય ત્યારે પણ તેના ઘરે જઇને આરોપીએ શરીર સંબંધ બાંધ્યા હતા. કંટાળેલી મહિલાએ ધર્મેન્દ્રના ફોન રિસિવ કરવાનું બંધ કરી દીધું હતું. તેના પગલે ઉશ્કેરાયેલા ધર્મેન્દ્રએ મહિલાના ઘરે જઇ ધમકી આપી હતી કે, તારા પતિને હું જાનથી મારી નાખીશ. ઉપરોક્ત વિગતો દર્શાવતી ફરિયાદના આધારે માંજલપુર પોલીસે ગુનો દાખલ કરી આરોપી ધર્મેન્દ્રની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા તેને જેલમાં મોકલી આપવામાં આવ્યો છે.















