![]()
ગાંધીનગર નજીક અડાલજ કોબા માર્ગ ઉપર
આઇસર બગડતા સામાન લેવા માટે આવ્યા અને પરત ફરતા સમયે અકસ્માત નડયો ઃ પોલીસની તપાસ
ગાંધીનગર : ગાંધીનગર નજીક અડાલજ-કોબા રોડ પર અંબાપુર ગામ પાસે એક
અજાણ્યા વાહન ચાલકે પૂરઝડપે વાહન હંકારીને એક આધેડને અડફેટે લેતા તેમનું મોત
નીપજ્યું છે. આ અકસ્માત સર્જીને અજાણ્યો વાહન ચાલક ઘટનાસ્થળેથી નાસી છૂટયો હતો.
અડાલજ પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં અકસ્માતની ઘટનાઓ વધી
રહી છે અને તેમાં પણ હિટ એન્ડ રનના બનાવોમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે
ત્યારે શહેર નજીક અડાલજ કોબા માર્ગ ઉપર અંબાપુર પાસે વધુ એક હીટ એન્ડ રનની ઘટનામાં
આધેડનું મોત થયું છે. જે ઘટના સંદર્ભે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે
અમદાવાદના જશોદાનગર વિસ્તારમાં રહેતા અને ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા
સુનીલભાઈ ગોકાભાઈ ભરવાડે ફરિયાદ નોંધાવી હતી કે, ગત શનિવારના રોજ તેમના પિતા ગોકાભાઈ સોમાભાઈ ભરવાડ તેમની
આઈસર ગાડી લઈને અમદાવાદથી ખોડીયાળ આઈ.સી.ડી. ખાતે માલ ખાલી કરવા જઈ રહ્યા હતા.
રસ્તામાં એપોલો સર્કલ પાસે તેમની ગાડી બગડતા ગાડીનો સામાન લેવા માટે અંબાપુર ગામ
ખાતેના ગેરેજમાં ગયા હતા. બપોરના આશરે પોણા ચાર વાગ્યાના સુમારે તેમણે ફોન કરીને
જણાવ્યું હતું કે સામાન મળી ગયો છે અને પરત ગાડી પાસે જઈ રહ્યા છે. જોકે ત્યારબાદ
તેમનો સંપર્ક થઈ શક્યો ન હતો. દરમિયાનમાં સાંજના સમયે ગાંધીનગર સિવિલ હોસ્પિટલથી
પોલીસ દ્વારા પરિવારને જાણ કરવામાં આવી હતી કે, અંબાપુર પાસે અકસ્માત થતા ગોકાભાઈને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે
સારવાર માટે લાવવામાં આવ્યા છે. પરિવાર હોસ્પિટલ પહોંચતા જાણવા મળ્યું હતું કે, માથાના અને
શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચવાને કારણે સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું
હતું. જેથી અકસ્માત સર્જનાર અજાણ્યા વાહન ચાલક સામે પોલીસે ગુનો દાખલ કરીને તેની
શોધખોળ શરૃ કરી છે.















