અમદાવાદ,બુધવાર
શહેરના જુહાપુરામાં રહેતી મહિલા તબીબે તેના પતિ અને સાસરિયાઓ વિરૂદ્ધ ગંભીર આરોપ કરતી ફરિયાદ નોંધાવી છે. જેમાં મહિલા તબીબનો પતિ પિતા બની શકે તેમ ન હોવાને કારણે તેણે મહિલાને તેના દિયરની મદદથી આઇવીએફ ટેકનીકથી માતા બનવા માટે દબાણ કરાયું હતું. આ અંગે વેજલપુર પોલીસે તપાસ શરૂ કરી છે.
જુહાપુુરામાં રહેતી ૨૯ વર્ષીય પરિણીત યુવતી આરોગ્ય કેન્દ્રમાં તબીબ તરીકે નોકરી કરે છે. તેના લગ્ન ગાંધીનગરમાં સરકારી નોકરી કરતા યુવક સાથે થયા હતા. જ્યારે તેના સસરા અમદાવાદ પોલીસમાં પીએસઆઇ તરીકે નોકરી કરે છે. લગ્નના થોડા મહિના બાદ યુવતીએ તેના પતિના મોબાઇલ ફોનમાં કેટલીક યુવતીઓ સાથેની ચેટ જોઇ હતી. જે અંગે પુછતા પતિએ તકરાર કરી હતી. બીજી તરફ લગ્નના એક વર્ષ બાદ સંતાન ન થતા તપાસ કરાવતા તેનો પતિ પિતા બની શકે તેમ ન હોવાનું જાણવા મળ્યું હતું.
ત્યારબાદ આઇવીએફથી પણ સંતાન ન થતા મહિલાને તેનો પતિ દિયરની મદદથી માતા બનવા પર દબાણ કરતો હતો. એટલું જ તેના સાસુ સસરા અને દિયર પણ આ મામલે સતત દબાણ કરતા હતા. થોડા દિવસ પહેલા મહિલાને તેના પતિએ થોડા દિવસ સરકારી કામથી બહાર જવાનું હોવાનું કહ્યું હતું અને તે નીકળી ગયો હતો. મહિલાને શંકા જતા તપાસ કરી ત્યારે જાણવા મળ્યું હતું કે તે ઓફિસમાં રજા મુકીને પતાયા ગયો હતો. આ બાબતે મહિલાએ તેને પુછતા માર મારીને કાઢી મુકી હતી. છેવટે આ અંગે વેજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
















