તાર ફેન્સિંગ કૂદી વાડીમાં પ્રવેશી શેઢા પાડોશી બે શખ્સોએ ઢીકાપાટુ અને લાકડી વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી; ગઢડા પોલીસ મથકમાં ગુનો નોંધાયો
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના નીંગાળા ગામે જમીનના શેઢા બાબતે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા બે ભાઈઓ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે ઈજાગ્રસ્ત વૃદ્ધ ખેડૂતે ગઢડા પોલીસ મથકમાં બે શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની વિગત:
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ગઢડા તાલુકાના નીંગાળા ગામે પીપળીયા રોડ પર રહેતા અને ખેતીકામ કરતા ભુપતભાઈ મેરૂભાઈ લીંબડીયા (ઉં.વ. ૬૫) ની ગામની ધાર સીમ વિસ્તારમાં આશરે અઢી વીઘા જમીન આવેલી છે. ગત તા. ૧૫/૧૧/૨૦૨૬ ના રોજ બપોરે આશરે ૪:૩૦ વાગ્યાના અરસામાં ભુપતભાઈ પોતાની વાડીમાં કપાસના પાકમાં પાણી વાળી રહ્યા હતા.
આ દરમિયાન તેમના શેઢા પાડોશી અલ્કેશભાઈ તળશીભાઈ ગોટી વાડીની તાર ફેન્સિંગ કૂદીને ગેરકાયદેસર રીતે અંદર પ્રવેશ્યા હતા અને “આ વોકળીમાં અમારી જમીન નીકળે છે” તેમ કહી અપશબ્દો બોલવાનું શરૂ કર્યું હતું. ભુપતભાઈએ ગત ઉનાળામાં બંને પક્ષોની સમજૂતી મુજબ જ તાર ફેન્સિંગ કરવામાં આવી હોવાનું જણાવતા અલ્કેશભાઈ ઉશ્કેરાઈ ગયા હતા.
મારપીટ અને જાનથી મારી નાખવાની ધમકી:
ઉશ્કેરાયેલા અલ્કેશભાઈએ વૃદ્ધ ભુપતભાઈને ઢીકાપાટુનો માર મારી તેમનો જમણો કાન ખેંચી પછાડી દેતા કાનમાંથી લોહી વહેવા લાગ્યું હતું. દેકારો થતા બાજુની વાડીમાં કામ કરતા ભુપતભાઈના નાના ભાઈ પ્રેમજીભાઈ ઉર્ફે નટુભાઈ દોડી આવ્યા હતા અને તેમને છોડાવવાનો પ્રયાસ કર્યો હતો.
તે જ સમયે અશોકભાઈ તળશીભાઈ ગોટી હાથમાં લાકડી લઈને ત્યાં ધસી આવ્યા હતા અને પ્રેમજીભાઈને જમણા પગે ઢીંચણ નીચે તેમજ માથાના જમણા ભાગે લાકડીના ફટકા મારી ગંભીર ઈજા પહોંચાડી હતી. ત્યારબાદ બંને શખ્સોએ “આજે તમને જીવતા નથી જવા દેવા” તેવી જાનથી મારી નાખવાની ધમકી આપી ઘટનાસ્થળેથી નાસી છૂટ્યા હતા.
સારવાર અને પોલીસ ફરિયાદ:
બનાવની જાણ થતા જ ભુપતભાઈના પુત્રો અને પરિવારજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. બંને ઈજાગ્રસ્ત ભાઈઓને પ્રથમ ગઢડા સરકારી દવાખાને અને ત્યારબાદ વધુ સારવાર અર્થે એમ્બ્યુલન્સ મારફતે બોટાદની સબીહા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ ભુપતભાઈને જમણા કાને ૫ ટાંકા તેમજ પ્રેમજીભાઈને માથામાં ૫ ટાંકા લઈ સારવાર શરૂ કરી હતી.
આ અંગે ગઢડા પોલીસ મથકના પી.એસ.આઈ. જે.આર. હેરમાએ હોસ્પિટલ ખાતે રૂબરૂ જઈ ફરિયાદી ભુપતભાઈની ફરિયાદ નોંધી હતી. ગઢડા પોલીસે આરોપી (૧) અલ્કેશભાઈ તળશીભાઈ ગોટી અને (૨) અશોકભાઈ તળશીભાઈ ગોટી (બંને રહે. નીંગાળા, તા. ગઢડા) વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (B.N.S.) ની કલમ ૧૧૮(૧), ૧૧૫(૨), ૩૨૯(૩), ૩૫૨, ૩૫૧(૩), ૫૪ તથા જી.પી. એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધી હેડ કોન્સ્ટેબલ વિશાલકુમાર પરમારને વધુ તપાસ સોંપી છે.















