અમદાવાદ,બુધવાર
શહેરના નરોડામાં આવેલી ટુ વ્હીલરની ડીલરશીપમાં નોકરી કરતા યુવકે ટુ વ્હીલર વેચાણના પેટે ગ્રાહકો પાસેથી લીધેલા મ્યુનિસિપલ ટેક્ષ અને આરટીઓ ટેક્ષના ૫૦ લાખ રૂપિયાની ઉચાપત કરી હોવાની ફરિયાદ આર્થિક ગુના નિવારણ શાખામાં નોંધવામાં આવી છે.
સેટેલાઇટમાં આવેલા શાલમલી ફ્લેટમાં રહેતા જીતેન્દ્રભાઇ શાહ નાના ચિલોડા નરોડા ખાતે ટુ વ્હીલરની ડીલરશીપ ધરાવે છે. એપ્રિલ ૨૦૨૨માં તેમના શો રૂમમાં ચેતન પંડયા (રહે.અચેર, સાબરમતી) નામનો યુવક નોકરીમાં જોડાયો હતો. તે ગ્રાહકો પાસેથી આવતી રોકડ અને ચેકના નાણાં સ્વીકારવાનું, બીલ બનાવવાનુ. આરટીઓ ટેક્ષ અને મ્યુનિસિપલ ટેક્ષના નાણાં ભરવાનું કામ કરતા હતો. જીતેન્દ્રભાઇના શો રૂમમાં વર્ષ ૨૦૨૨-૨૩નું ઓડિટ કરવામાં આવ્યું ત્યારે બાઇક વેચાણના કેટલાંક નાણા ચેતન પંડ્યાએ જમા કરાવ્યા નહોતા. તેણે ૬૩૧ જેટલા બાઇક વેચાણ પેટે મ્યુનિસિપલ ટેક્ષના ૨૭ લાખ રૂપિયા જમા કરાવ્યા નહોતા. તેમજ આરટીઓના નાણાં પણ જમા કરાવ્યા નહોતા.
જ્યારે અન્ય ગ્રાહકોના બાઇક વેચાણના નાણાં મળીને કુલ ૫૦ લાખની ઉચાપત કરી હતી. જે અંગે પુછપરછ કરતા ચેતન પંડયાએ હિસાબ આપવાની આનાકાની કરી હતી.
ત્યારબાદ આકરી તપાસમાં તેણે નાણાંની ઉચાપત કર્યાની કબુલાત કરીને તમામ નાણાં ચુકવી આપવાની ખાતરી આપી હતી. પરંતુ, નાણાં પરત ન કરતા આ અંગે આર્થિક ગુના નિવારણ શાખામાં ફરિયાદ નોંધવામાં આવતા કાર્યવાહી કરવામાં આવી છે.
















