Vadodara : વડોદરામાં આવતીકાલે મહાશિવરાત્રી નિમિત્તે શિવજી કી સવારી સહિત 23 મોટા કાર્યક્રમો યોજાનાર હોવાથી તેમજ ભારત પાકિસ્તાન મેચ અને અમિત શાહના કાર્યક્રમને અનુલક્ષીને 5,000 જેટલી પોલીસ તૈનાત રાખવામાં આવી છે.
તા 15મી એ રવિવારે બપોરે અઢી વાગે શિવજી કી સવારી રણમુક્તેશ્વર પ્રતાપ નગર ખાતેથી નીકળી ચાર દરવાજા, ન્યાય મંદિર થઈને રાત્રે 10:30 વાગે કૈલાશપુરી ખાતે પહોંચશે. આ સવારીમાં હજારો લોકો જોડાતા હોવાથી અને સંવેદનશીલ વિસ્તારમાંથી પસાર થતી હોવાથી પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ દ્વારા અર્ધલશ્કરી દળો તેમજ સ્થાનિક પોલીસ, ટ્રાફિક પોલીસ, મહિલા પોલીસ અને જુદી-જુદી એજન્સીઓને બંદોબસ્ત માટે જવાબદારી સોંપી છે.

આ નિમિત્તે અનેક સ્થળોએ ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો છે અને પોલીસ કમિશનર દ્વારા સીટી એરિયામાં શિવજી કી સવારીના સમય દરમિયાન ખૂબ જ જરૂરી કામ હોય તો જ બહારના લોકોને આવવા માટે અપીલ પણ કરવામાં આવી છે.
આ ઉપરાંત આવતીકાલે ભારત પાકિસ્તાનની મેચ તેમજ શિવજી કી સવારીના કાર્યક્રમમાં કેન્દ્રના ગૃહ મંત્રી અમિત શાહ પણ આવી રહ્યા હોવાથી તે નિમિત્તે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ દ્વારા પણ રાઉન્ડ ધ ક્લોક ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.















