![]()
વડોદરાઃવડોદરાની સ્કૂલોને બોમ્બ બ્લાસ્ટની ધમકીના મેલ મળવાના બનાવો પરથી તંત્રને પરીક્ષાઓ પહેલાં એલર્ટ થવાની તક મળી છે અને પોલીસ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે.
વડોદરા અને અમદાવાદની સ્કૂલોમાં એક જ પ્રકારના ધમકી આપતા મેલ મળતાં શિક્ષણ કાર્ય ખોરવાઇ ગયું હતું.પોલીસ દ્વારા ગાઇડ લાઇન પ્રમાણે સ્કૂલોમાં બોમ્બ સ્કવોડ અને ડોગ સ્કવોડ વડે ચેકિંગ કરવામાં આવ્યું હતું અને વાલીઓને પણ બોલાવી વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે પરત મોકલવામાં આવ્યા હતા.
આગામી દિવસોમાં ધોરણ-૧૦,ધોરણ-૧૨ અને સીબીએસઇ સહિતની પરીક્ષાઓ આવી રહી છે ત્યારે તે પહેલાં સ્કૂલોને ધમકીના મેલ મળતાં તંત્રને એલર્ટ થવાની તક મળી છે.જો આવી ધમકીઓ પરીક્ષા દરમિયાન મળી હોત તો શું થાત તે વિચારીને વાલીઓ તેમજ પોલીસ ચિંતાતુર બન્યા હતા.
પરિણામે,ચાલુ પરીક્ષાએ આ પ્રકારની અંધાધૂંધી ના સર્જાય તે હેતુથી પોલીસ એક્શન પ્લાન તૈયાર કરી રહી છે.જેના ભાગ રૃપે પોલીસ અધિકારીઓ તેમના વિસ્તારની સ્કૂલોના સંચાલકો સાથે સંપર્કમાં રહેશે અને પરીક્ષાના દિવસોમાં રોજે રોજ પરીક્ષા પહેલાં જ વર્ગરૃમો ચેક કરી લેવામાં આવશે.જેથી કોઇ મેલ મળે તો તેની પરીક્ષાર્થીઓ પર કોઇ અસર ના થાય.આ ઉપરાંત પરીક્ષા કેન્દ્રો પર પોલીસની હાજરી પણ વધારવાની વિચારણા કરવામાં આવી રહી છે.

















