![]()
અમદાવાદ : રાષ્ટ્રીય ગ્રાહક હેલ્પલાઇન (NCH) એ છેલ્લા નવ મહિનામાં ૩૧ ક્ષેત્રોમાં લગભગ ૮૦,૦૦૦ ગ્રાહકોની ફરિયાદોનું નિરાકરણ કર્યું છે. આ ગ્રાહકોને કુલ ૫૨ કરોડ રૂપિયાનું રિફંડ આપવામાં આવ્યું હતું. આમાંથી, સૌથી વધુ ૩૬.૮૦ કરોડ રૂપિયાનું રિફંડ ઈ-કોમર્સ ક્ષેત્ર સાથે સંબંધિત હતું તેમ ગ્રાહક બાબતોના મંત્રાલયે જણાવ્યું હતું.
૨૫ એપ્રિલ, ૨૦૨૫ થી ૩૧ જાન્યુઆરી, ૨૦૨૬ સુધીમાં, રાષ્ટ્રીય ગ્રાહક હેલ્પલાઇન એ ૭૯,૫૨૧ ગ્રાહક ફરિયાદોને મુકદ્દમાના તબક્કામાં પહોંચે તે પહેલાં ઉકેલવામાં મદદ કરી હતી. રાષ્ટ્રીય ગ્રાહક હેલ્પલાઇન પર પ્રાપ્ત ફરિયાદો નિર્ધારિત સમયમર્યાદામાં ઉકેલ માટે સીધી કંપનીઓને મોકલવામાં આવે છે અને તેનું નિરીક્ષણ કરવામાં આવે છે. મંત્રાલય અનુસાર, સૌથી વધુ ફરિયાદો, ૪૭,૭૪૩, ઈ-કોમર્સ ક્ષેત્રની હતી.
રાષ્ટ્રીય ગ્રાહક હેલ્પલાઇન એ ગ્રાહક બાબતોના મંત્રાલયની એક મુખ્ય પહેલ છે, જે ગ્રાહક સુરક્ષા અધિનિયમ, ૨૦૧૯ હેઠળ અસરકારક, સરળ અને સમયસર ફરિયાદ નિવારણમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. સતત દેખરેખ અને ગ્રાહક પ્રતિસાદ સાથે સમયસર નિવારણ માટે કંપનીઓને ફરિયાદો ડિજિટલી મોકલવામાં આવે છે.
ગ્રાહકોને મળેલા રિફંડ પર નજર કરીએ તો, ઈ-કોમર્સ ક્ષેત્રે રૂ. ૩૬ કરોડથી વધુ (૪૭,૭૪૩ ફરિયાદો), મુસાફરી અને પર્યટન ક્ષેત્રે રૂ. ૪.૧૬ કરોડથી વધુ (૫,૧૪૯ ફરિયાદો), એજન્સી સેવાઓ ક્ષેત્રે રૂ. ૧.૫૪ કરોડ (૧,૧૦૩ ફરિયાદો) ઇલેક્ટ્રોનિક ઉત્પાદનો ક્ષેત્રે રૂ. ૧.૪૫ કરોડથી વધુ (૭૮૮ ફરિયાદો) સામાન્ય વીમા ક્ષેત્રે રૂ. ૧.૧૮ કરોડથી વધુ (૨૯૩ ફરિયાદો) રિફંડ મળ્યું હતું.















