![]()
મુંબઈ : જાહેર ક્ષેત્રના ઉપક્રમોમાં આઈપીઓ મારફત હિસ્સાનું વેચાણ કરી નાણાં વર્ષ ૨૦૨૯-૩૦ સુધીમાં સરકાર રૂપિયા ૧.૭૯ ટ્રિલિયન જેટલી રકમ ઊભી કરવા ઈરાદો ધરાવે છે.
આગામી ચાર વર્ષમાં સરકારી એસેટસનું વેચાણ કરી ૧૮૩.૭૦ અબજ ડોલર ઊભા કરવાની યોજનાનો આઈપીઓ એક હિસ્સો છે, એમ નીતિ આયોગના એક રિપોર્ટમાં જણાવાયું હતું.
નાણાં વર્ષ ૨૦૨૪-૨૫ના અંતે સમાપ્ત થયેલા ચાર વર્ષમાં સરકારે રૂપિયા ૬ ટ્રિલિયનના ટાર્ગેટ સામે જાહેર ક્ષેત્રની એસેટસના વેચાણ મારફત રૂપિયા ૫.૩૦ ટ્રિલિયન ઊભા કર્યા હતા.
સરકારી કંપનીઓના ખાનગીકરણ કરી તેમાંથી નાણાં ઊભા કરવાનું સરકાર માટે પડકારરૂપ રહ્યું છે. આ હકીકતને ધ્યાનમાં રાખી સદર કંપનીઓ તથા તેની સબ્સિડીઅરીઓની એસેટસમાંથી નાણાં ઊભા કરી તેને ફરીથી ઈન્વેસ્ટ કરવા સરકારે યોજના બનાવી છે.
૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં સંપૂર્ણ બહુમતિ મેળવવામાં નિષ્ફળ ગયા બાદ મોદી સરકારે કેન્દ્ર હસ્તકની કંપનીઓના ખાનગીકરણની યોજનાને મોકૂફ રાખી હતી.
એસેટસના વેચાણ મારફત ઊભા થતાં નાણાં સંબંધિત કંપનીના ખાતામાં જશે અને કંપનીઓ તેને ફરી ઈન્વેસ્ટ કરે છે, જેથી આ કંપનીઓમાં નાણાં નાખવા માટે સરકારનો બોજ હળવો થાય છે.
પોતાની બજેટ ખાધને ઘટાડવાની યોજનામાં સરકારી ઉપક્રમોમાંથી હિસ્સાના વેચાણ તથા ખાનગીકરણ એક યોજના છે. રેલવે મંત્રાલય હેઠળની સાત કંપનીઓમાં હિસ્સાના વેચાણ મારફત સરકાર રૂપિયા ૮૩૭૦૦ કરોડ રૂપિયા ઊભા કરવા ઈરાદો ધરાવે છે.

















