![]()
8 શખ્સોએ છરી, ધોકા સાથે આવી અપહરણ કર્યું
લવ મેરેજ કર્યાં બાદ યુવતી મરજીથી પિયરમાં આવતા પતિએ અન્ય લોકો સાથે આવી ઘટનાને અંજામ આપ્યો
ભાવનગર: જેસર તાલુકાના કોટામોઈ ગામે આઠ શખ્સોએ પ્રાણઘાતક હથિયારો સાથે આવી ગામમાં રહેતા પરિવાર પર હુમલો કરી યુવતીનું અપહરણ કરી ગયા અંગેની પોલીસ ફરિયાદ જેસર પોલીસ મથકમાં નોંધાઈ છે. પ્રેમ લગ્ન કર્યાં બાદ યુવતી પોતાની મરજીથી પિયરમાં આવતા પતિએ અન્ય લોકો સાથે આવી ઘટનાને અંજામ આપ્યો હતો. બનાવ અંગે જેસર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
જેસર તાલુકાના કોટામોઈ ગામે રહેતા પિયુષપર્વત કૈલાસપર્વત ગૌસ્વામીએ ખુંટવડા પોલીસ મથકમાં નરેશ બોઘાભાઈ આલ, સમીર સીપાહી (બન્ને રહે.કુંભણ, તા.મહુવા) તથા અન્ય ૬ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમની બહેને એકાદ માસ પહેલા કુંભણ ગામના ઉક્ત નરેશ સાથે લવમેરેજ કરેલા હતા અને તેમની સાથે રહેતી હતી. ગત તા.૨૪-૦૨ના રોજ તેઓ રાજકોટ કામ અર્થે ગયા હતા ત્યારે મવડી ગ્રાઉન્ડ ખાતે તેમના બહેન અચાનક મળ્યા હતા અને તેમણે ઘરે આવવાની વાત કરતા બન્ને રાજકોટથી ઘરે આવ્યા હતા. જેની દાઝ રાખી ઉક્ત નરેશ તથા અન્ય લોકોએ ગત રોજ રાત્રિના ૮.૧૫ કલાકના અરસામાં તેમના ઘરે છરી અને લાકડાના ધોકા જેવા પ્રાણઘાતક હથિયારો સાથે આવી ઘરમાં ગરકાયદેસર રીતે પ્રવેશ કરી ઘરના સભ્યો પર હુમલો કરી મુંઢ ઈજા પહોચાડી હતી અને તેમની બહેનનું કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરીને જતાં રહ્યાં હતા. આ અંગે ખુટવડા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.















