![]()
વડોદરા : બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની તા. ૬ માર્ચના રોજ યોજાનારી ચૂંટણીને
હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે વડોદરામાં ચૂંટણી પ્રક્રિયા આથક
મુશ્કેલીના કારણે વિવાદમાં આવી છે. બાર કાઉન્સિલની ચૂંટણીમાં વડોદરામાં ૪૭૦૦ વકીલો
મતદાન કરવાના છે ત્યારે ચૂંટણી માટે માત્ર રૃા.૭૩૦૦નું ભંડોળ આપવામાં આવતાં
વડોદરાના ચૂંટણી અધિકારીઓએ આ ભંડોળમાં ચૂંટણી યોજવા માટે અસમર્થતા વ્યક્ત કરી છે.
આ અંગે મુખ્ય ચૂંટણી અધિકારીને લખાયેલા પત્રમાં ચૂંટણી માટે રૃા.૧.૫૦નો ખર્ચ થવાની
સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ૨૩ બેઠકો માટે આ વર્ષે રાજ્યભરમાંથી
૯૬ ઉમેદવારો મેદાનમાં છે, જેમાં ૫ બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવી
છે. આ ચૂંટણીમાં વડોદરાથી પણ ૯ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે અને કુલ ૪,૭૦૦ જેટલા વકીલ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના છે.
જોકે, આ આખી પ્રક્રિયાના આયોજન માટે બાર કાઉન્સિલ ઓફ
ગુજરાત દ્વારા ફાળવવામાં આવેલું ભંડોળ અત્યંત અપૂરતું હોવાનો પત્ર વડોદરા ખાતે
નિમાયેલા ચૂંટણી અધિકારીઓએ મુખ્ય ચૂંટણી કમિશનરને લખ્યો હોવાનું સહાયક ચૂંટણી
અધિકારી વિરાજ ઠક્કર તેમજ રોહીત શાહે જણાવ્યું હતું. પત્રમાં નારાજગી વ્યક્ત કરતા
જણાવ્યું છે કે, ચૂંટણી માટે માત્ર રૃા.૭૩૦૦નું કવર
મોકલવામાં આવ્યું છે જે ભંડોળમા ચૂંટણીની જવાબદારી નિભાવવી શક્ય નથી.
પત્રમાં વાસ્તવિક ખર્ચનો અંદાજ રજૂ કરતા જણાવવામાં આવ્યું છે કે, ૬
ટેબલની વ્યવસ્થા, સ્ટેશનરી, સ્ટાફ માટે
સવારનો નાસ્તો, બપોરનું ભોજન, સાંજની
ચા-કોફી અને સફાઈ ખર્ચ મળીને અંદાજે રૃા.૧,૫૦,૦૦૦ જેટલો સામાન્ય ખર્ચ થાય તેમ છે. ચૂંટણી કમિશનરને સ્પષ્ટ શબ્દોમાં
કહેવામાં આવ્યું છે કે જો આટલી રકમની વ્યવસ્થા કરવામાં નહીં આવે તો તેઓ ચૂંટણી
પ્રક્રિયા હાથ ધરી શકશે નહીં. અધિકારીઓએ તાકીદ કરી છે કે જો ખર્ચની પૂત ન થઈ શકે
તો તા. ૩ માર્ચ ૨૦૨૬ સુધીમાં ચૂંટણી સામગ્રી પરત મંગાવી લેવી જેથી ભવિષ્યમાં કોઈ
અગવડતા ન પડે.















