![]()
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની મોટાભાગની ફેકલ્ટીઓના વિવિધ વિભાગોમાં નિયમિત હેડની નિમણૂક કરનારા યુનિવર્સિટી સત્તાધીશોએ આર્ટસ ફેકલ્ટીમાં હેડની નિમણૂક બાકી રાખી હતી.જોકે હવે ફેકલ્ટીના તમામ વિભાગોમાં હેડની નિમણૂકો કરી દેવામાં આવી છે.
આ પૈકી સંસ્કૃત, આર્કિઓલોજી, હિસ્ટ્રી, પોલિટિકલ સાયન્સ, ઈકોનોમિક્સ, મરાઠી એમ ૬ વિભાગમાં નિયમિત હેડની નિમણૂક કરાઈ છે.જ્યારે હિન્દી, ગુજરાતી, અંગ્રેજી, જર્મન, લિંગ્વિસ્ટિક વિભાગ, રશિયન અને સોશ્યોલોજી એમ સાત વિભાગમાં નિયમિત હેડની નિમણૂકની જગ્યાએ ઈન્ચાર્જ હેડને યથાવત રાખવામાં આવ્યા છે. ફ્રેન્ચ, લાઈબ્રેરી સાયન્સ, પર્શિયન, ફિલોસોફી અને સિંધી વિભાગમાં કોઈ અધ્યાપક પાસે પ્રોફેસરનો હોદ્દો નહીં હોવાથી આ વિભાગોના હેડનો ચાર્જ ડીનને જ સોંપવામાં આવ્યો છે.
જોકે આર્ટસ ફેકલ્ટીમાં ડીનની નિમણૂક અંગે હજી સુધી વાઈસ ચાન્સેલર પ્રો.ભણગે કોઈ નિર્ણય લઈ શક્યા નથી.અધ્યાપક આલમમાં ચર્ચા છે કે, ફેકલ્ટીમાં સૌથી સિનિયર અધ્યાપકની સામે અધ્યાપકોના એક જૂથે ભાજપ અને સંઘ વિરોધી હોવાની રજૂઆત રાજ્ય સરકાર સુધી કરી છે.જેના કારણે આ અધ્યાપક તમામ રીતે ડીન બનવા માટે લાયક હોવા છતા વાઈસ ચાન્સેલરે આર્ટસ ફેકલ્ટીમાં હાલ પૂરતુ આ ફેકલ્ટીમાં નવા ડીનની નિમણૂક કરવાનું માંડી વાળ્યું છે.
















