Gold Silver Latest Rate: સોના અને ચાંદીના ભાવમાં જે રીતે ભડકો થઈ રહ્યો છે જેને રોકાણકારો અને સામાન્ય જનતા બંનેને વિચારતા કરી મૂક્યા છે. દરેકને સવાલ થઈ રહ્યો છે આખરે ભાવ વધશે તો વધશે કેટલા, શું સોના અને ચાંદી લેવું હવે સપના જેવું થઈ જશે? આજે મંગળવારે દિલ્હીના સર્રાફા બજારમાં સોના અને ચાંદીના ભાવે તમામ જૂના રેકોર્ડ તોડીને એક નવો ઈતિહાસ રચી દીધો છે. ખાસ કરીને ચાંદીમાં જોવા મળેલી તેજી અત્યાર સુધીની સૌથી મોટી એક દિવસીય તેજી માનવામાં આવી રહી છે.
એક જ દિવસમાં 40,500 રૂપિયાનો જંગી ઉછાળો
ચાંદીના ભાવમાં આજે 27 જાન્યુઆરીએ એક જ દિવસમાં 40,500 રૂપિયાનો જંગી ઉછાળો જોવા મળ્યો છે, જેના કારણે તેની કિંમત 3,70,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામના જાદુઈ આંકડા પર પહોંચી ગઈ છે. ગયા શુક્રવારે ચાંદીનો ભાવ 3,29,500 રૂપિયા હતો, પરંતુ સોમવારે પ્રજાસત્તાક દિવસની રજા બાદ બજાર ખુલતાની સાથે જ ચાંદીમાં 12.3 ટકાનો રેકોર્ડબ્રેક વધારો થયો છે.
સોનું આજે 7,300 રૂપિયા મોંઘું
માત્ર ચાંદી જ નહીં, પણ સોનાના ભાવમાં પણ તોફાની તેજી જોવા મળી રહી છે. મંગળવારે 99.9 ટકા શુદ્ધતા ધરાવતું સોનું 7,300 રૂપિયા મોંઘું થઈને 1,66,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામની નવી ઐતિહાસિક સપાટીએ પહોંચ્યું છે. અગાઉ શુક્રવારે સોનાનો ભાવ 1,58,700 રૂપિયા પર બંધ રહ્યો હતો.
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું-ચાંદી રેકોર્ડબ્રેક
આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોના ચાંદીના ભાવમાં ચમકતી તેજી જોવા મળી રહી છે. જ્યાં ચાંદીના ભાવ પ્રથમ વખત 100 ડોલર પ્રતિ ઔંસની સપાટી વટાવી ગયા છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ચાંદીની વધીને 117.73 ડોલર પ્રતિ ઔંસની નવી ટોચે પહોંચી ગઈ છે. બીજી તરફ, વૈશ્વિક બજારમાં સોનામાં સતત સાતમા દિવસે તેજી યથાવત રહી હતી જેથી પ્રથમ વખત 5,000 ડોલરની સપાટી વટાવીને 5,110.24 ડોલર પ્રતિ ઔંસના રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે.
સુરક્ષિત રોકાણ
બજારના નિષ્ણાતોના મતે આ પ્રચંડ તેજી પાછળનું મુખ્ય કારણ વૈશ્વિક સ્તરે વધી રહેલા તણાવ અને ટેરિફના કારણે વધેલા વેપારી વિવાદોને લીધે હવે રોકાણકારો સુરક્ષિત રોકાણ તરીકે સોના-ચાંદી તરફ વળ્યા છે, જેને કારણે આ કિંમતી ધાતુઓના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. વૈશ્વિક બજારમાં આર્થિક અસ્થિરતા પણ સોના ચાંદીના ભાવ વધારા પાછળનું મોટું કારણ છે.

















