![]()
મુંબઈ : અમેરિકા-ઈરાન વચ્ચે ઉકળતા ચરુ જેવી સ્થિતિથી વિશ્વ બજારમાં સોનાચાંદીમાં ફરી સેફ હેવન માગ ઊભી થતા સપ્તાહ અંતે ભાવમાં સુધારો જળવાયો હતો. વિશ્વ બજાર પાછળ સ્થાનિકમાં પણ કિંમતી ધાતુમાં સુધારો ધીમી ગતિએ આગળ ધપ્યો હતો. ઈરાને વળતા હુમલાની ચીમકી આપવા ઉપરાંત યુએનને દરમિયાનગીરી કરવા વિનંતી કરી હોવાના અહેવાલ હતા. ટ્રમ્પે ઈરાનને દસ દિવસની મહેતલ આપ્યા બાદ ઈરાનની ચેતવણી આવી પડી હતી. વૈશ્વિક ચલણો સામે રૂપિયામાં મિશ્ર પ્રવાહ રહ્યો હતો જ્યારે સપ્તાહ અંતે ક્રુડ તેલ મક્કમ રહ્યું હતું.
મુંબઈ ઝવેરી બજારમાં ૯૯.૯૦ સોનાના દસ ગ્રામના જીએસટી વગરના ભાવ સાધારણ વધી રૂપિયા ૧૫૫૦૬૬ રહ્યા હતા જ્યારે ૯૯.૫૦ સોનાના પ્રતિ દસ ગ્રામ રૂપિયા ૧૫૪૪૪૫ બોલાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના જીએસટી વગરના ભાવ રૂપિયા ૨૫૦૩૧૪ રહ્યા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા.
અમદાવાદ બજારમાં સોનુ ૯૯.૯૦ દસ ગ્રામ દીઠ રૂપિયા ૧,૬૦,૦૦૦ અને ૯૯.૫૦ પ્રતિ દસ ગ્રામના રૂપિયા ૧,૫૯,૭૦૦ બોલાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના રૂપિયા ૨,૫૦,૦૦૦ રહ્યા હતા. અમદાવાદ ચાંદી રૂપિયા ૪૦૦૦ વધી હતી પરંતુ સોનામાં વધારો સીમિત રહ્યો હતો.
ઈરાન – અમેરિકા ઉકળતા ચરુ વચ્ચે વિશ્વ બજારમાં ફન્ડો દ્વારા સોનાચાંદીમાં સેફ હેવન માગ જળવાઈ રહેતા સપ્તાહ અંતે ભાવમાં સુધારાની ગતિ જળવાઈ રહી હતી. વૈશ્વિક સોનુ પ્રતિ ઔંસ ઉપરમાં ૫૦૪૨ ડોલર અને નીચામાં ૪૯૮૧ ડોલર થઈ મોડી સાંજે ૫૦૧૯ ડોલર મુકાતુ હતું. ચાંદી ઔંસ દીઠ ઉપરમાં ૮૧.૨૦ ડોલર અને નીચામાં ૭૭.૪૮ ડોલર થઈ મોડી સાંજે ૮૦.૩૫ ડોલર કવોટ થતી હતી. અન્ય કિંમતી ધાતુ પ્લેટિનમ પ્રતિ ઔંસ ૪૧ ડોલર વધી ૨૧૨૩ ડોલર જ્યારે પેલેડિયમ ૨૨ ડોલર ઊંચકાઈને ૧૭૧૫ ડોલર કવોટ થતું હતું.
ભારત તરફથી ક્રુડ તેલની અન્ય દેશો પાસેથી ખરીદી વધવા લાગતા અને ઈરાન -અમેરિકા તંગદિલીને પગલે ક્રુડ તેલના ભાવ સપ્તાહ અંતે મક્કમ રહ્યા હતા. આઈસીઈ બ્રેન્ટ ક્રુડ તેલ પ્રતિ બેરલ ૭૧.૫૭ ડોલર જ્યારે નાયમેકસ ડબ્લ્યુટીઆઈ બેરલ દીઠ ૬૬.૧૭ ડોલર મુકાતુ હતું.વૈશ્વિક ચલણો સામે રૂપિયામાં મિશ્ર પ્રવાહ રહ્યો હતો. ડોલર ૨૮ પૈસા વધી ૯૦.૯૬ રૂપિયા રહ્યો હતો જ્યારે પાઉન્ડ એક પૈસો વધી રૂપિયા ૧૨૨.૪૫ રહ્યો હતો. યુરો ૩૦ પૈસા ઘટી રૂપિયા ૧૦૭.૦૪ રહ્યો હતો.

















