![]()
વડોદરાઃ વીઆઇપીરોડના અર્થ આઇકોન બિલ્ડિંગમાં આજે નમતી બપોરે શોર્ટ સર્કિટને કારણે આગ લાગતાં અફરાતફરી સર્જાઇ હતી અને ટ્રાફિક પણ જામ થઇ ગયો હતો.
અર્થ આઇકોન બિલ્ડિંગમાં બેઝમેન્ટમાં આવેલા ઇલેકટ્રિક વાયરોમાં શોર્ટસર્કિટ થતાં કેબલો સળગ્યા હતા.ધડાકા સાથે આગ ઉપરના માળ તરફ ફેલાતી હતી અને દરેક ફ્લોર પર ધુમાડા છવાતાં લોકો ઓફિસોમાંથી બહાર દોડી ગયા હતા.
આગ કરતાં તેના ધુમાડા વધુ ગભરાવી મુકે તેવા હતા.જેથી ફાયર બ્રિગેડને જાણ કરાતાં એક ટીમે ઉપર ત્રીજા માળે થીયેટર ખાલી કરાવી દીધું હતું.જ્યારે, બીજી ટીમે આગ બૂઝાવવાનીકામગીરી શરૃ કરી હતી.
લોકોની દોડાદોડી અને રસ્તા પર ટોળાં જામતાં થોડીવાર માટે ટ્રાફિક જામ થયો હતો. પોલીસ અને વીજ કંપનીની ટીમો પણ આવી જતાં આગ કાબૂમાં લેવામાં સવલત થઇ હતી.આમ,લોકોની સજાગતાને કારણે મોટી દુર્ઘટના થતાં રહી ગઇ હતી.
ગોત્રીની કોર્પોરેશનની સ્કૂલમાં આગનું છમકલું થતાં વિદ્યાર્થીઓને બચાવી લીધા
ગોત્રી વિસ્તારમાં આવેલી કોર્પોરેશન સંચાલિત સ્કૂલમાં આજે બપોરે આગનું છમકલું થતાં ૧૫૦ જેટલા બાળકોને સુરક્ષિત સ્થળે લઇ જવાયા હતા.
સ્કૂલના સ્વીચ બોર્ડમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગતાં ધુમાડા છવાયા હતા.આ વખતે સ્કૂલનું શિક્ષણ કાર્ય ચાલુ હતું.જેથી અફરાતફરી સર્જાય તેવી સ્થિતિ હતી.
પરંતુ શાળાના શિક્ષકોએ સ્થિતિ વણસે નહિ તેની તકેદારી લીધી હતી.મોકડ્રીલ દરમિયાન બાળકોને બચાવવાની તાલીમ આપવામાં આવી હોવાથી સ્ટાફે આગ કાબૂમાં લેવાની પ્રાથમિક કામગીરીની સાથે સાથે તમામ બાળકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા.આ વખતે શિક્ષિકા પિનલબેને ફાયર બ્રિગેડને બોલાવી લેતાં જવાનોએ આગ કાબૂમાં લઇ લીધી હતી.

















