![]()
વડોદરા,ચાર વર્ષની બાળકી સાથે બીભત્સ અડપલા કરનાર પાડોશીને માંજલપુર પોલીસે પોલીસ સ્ટેશનમાંથી જ છોડી દેતા પીડિત બાળકીના પરિવારને ઘર છોડીને અન્ય સ્થળે રહેવાની ફરજ પડી છે. પોલીસની કાર્યવાહીથી નારાજ પરિવારે પોલીસ કમિશનર કચેરીમાં અરજી કરી રક્ષણની માગણી કરી છે.
પાડોશમાં જ રહેતા પરિવારની ચાર વર્ષની બાળકીને રસોડામાં બોલાવી બીભત્સ છેડછાડ કરવાના કેસમાં માંજલપુર પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. પોલીસ સામે ગંભીર આક્ષેપો કરી બાળકીના પરિવારે પોલીસ કમિશનરને અરજી કરી જણાવ્યું છે કે, અમે ફરિયાદ કરવા ગયા ત્યારે પોલીસે અમારી પાસે ઘટનાનું વીડિયો રેકોર્ડિંગ માગ્યું હતું. આરોપી સામે કેસ ના કરશો, સમાધાન કરો, કોર્ટમાં કેસ ચાલશ અને સમય બગડશે. તેવું જણાવીને કેસ પરત ખેંચવા આડકતરીરીતે દબાણ કરાયું હતું. આરોપીની પોલીસ દ્વારા સરભરા કરવામાં આવી હતી અને પોલીસ સ્ટેશનમાંથી જામીન આપી છોડી દેવામાં આવ્યો હતો. આ અંગે માંજલપુર પોલીસને પૂછવામાં આવતા એવું જણાવવામાં આવ્યું હતું કે, પરિવાર ફરિયાદ નોંધાવ્યા પછી બીજા દિવસે સવારે ફરિયાદ પરત ખેંચવા આવ્યો હતો પણ અમે ના પાડી હતી. ત્રણ વર્ષ સુધીની સજાની જોગવાઇ હોય આરોપીને પોલીસ સ્ટેશનમાંથી જામીન અપાયા છે. અમે કાયદા વિરૃદ્ધ કોઇ કાર્યવાહી કરી નથી.

















