![]()
એક વ્યક્તિએ અનેકની સહી કરી ફોર્મ ભર્યાની શંકા-ગુનો નોંધવા માંગણી એપીક નંબર,વિગતોમાં ચેડાં, બોગસ મોબાઈલ નંબરના ગંભીર આક્ષેપો સાથે કોંગી અગ્રણીઓની કલેક્ટર સાથે શાબ્દિક ટપાટપી
રાજકોટ, : મહાનગરપાલિકાની નજીકના સમયમાં ચૂંટણી આવી રહી છે તે ચૂંટણી તંત્ર દ્વારા સ્પેશિયલ ઈન્ટેન્સીવ રિવિઝન અર્થાત્ સઘન મતદારયાદી સુધારણા કાર્યક્રમ અન્વયે રાજકોટ શહેરની ચાર ધારાસભા મતક્ષેત્રમાં મતદારોના 27,300 નામો રદ કરવા માટેના ફોર્મ સબમીટ થયાનું ખુલતા આ ફોર્મની પ્રાથમિક ચકાસણી બાદ કોંગ્રેસે મોટા કાવત્રાની શંકા દર્શાવી આજે પોલીસ કમિશનર અને કલેક્ટરને ઉગ્ર રજૂઆત કરી હતી.
આ ફોર્મમાં એક સરખી અથવા અલગ અલગ ખોટી સહી જણાય છે, એપીક નંબર તથા વ્યક્તિગત વિગતોમાં ચેંડાં કરાયાનું, સોફ્ટવેર અને ફોર્મ ઓટોમેટેડ જનરેટ થયાનું તથા મોબાઈલ નંબર પણ બોગસ હોવાનોઆક્ષેપ કરીને શહેર કોંગ્રેસ પ્રમુખ કલેક્ટર પાસે ધસી ગયા હતા અને પ્રથમદ્રષ્ટિએ જ હજારોની સંખ્યામાં ભરાયેલા ફોર્મ નં.7 થી ચૂંટણીની પારદર્શિતા તો દૂર રહી, લોકોના મતાધિકાર ઉપર સીધો પ્રહાર કરાયાનો આક્ષેપ કરતા કલેક્ટર સાથે શાબ્દિક જીભાજોડી થઈ હતી.
મતદારયાદીમાંથી રદ કરવાની ચેષ્ટાથી પછાત વર્ગના, અલ્પસંખ્યક અને આર્થિક રીતે નબળા વર્ગના લોકો વધારે અસરગ્રસ્ત થઈ શકે છે કહીને તેમણ આવા શંકાસ્પદ ફોર્મ પણ ઈ.આર.ઓ.દ્વારા ચકાસણી કર્યા વગર સ્વીકારી લીધાની શંકા હોવાનું ઉમેર્યું હતું. ફોર્મમાં ખોટી વિગતો આપવી તે રિપ્રેઝન્ટેશન ઓફ ધ પીપલ એક્ટ- 1950ની ક. 31 હેઠળ દંડ તેમજ 1 વર્ષની જેલસજાને પાત્ર ગુનો હોય આ અંગે તપાસ કરી ગુનો નોંધવા પોલીસ કમિશનરને પણ રજૂઆત કરાઈ છે.
















