![]()
મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવ વધતા અટકી ફરી ઝડપી ગબડયા હતા. વિશ્વ બજારમાંમ કિંમતી ધાતુઓના ભાવમાં ઝડપી કડાકો બોલાઈ ગયાના વાવડ મળ્યા હતા. વિશ્વ બજાર ગબડતાં તથા ઘરઆંગણે કરન્સી બજારમાં રૂપિયા સામે ડોલર પણ ઘટતાં દેશમાં આયાત થતા સોના-ચાંદીની ઈમ્પોર્ટ કોસ્ટ નીચી ઉતરી છે તથા તેના પગલે દેશના ઝવેરી બજારો આજે ઝડપી ગબડયા હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું.
દરમિયાન, અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૪૦૦૦ તૂટયા હતા જ્યારે અમદાવાદ ચાંદીનાં ભાવમાં કિલોના રૂ.૨૫ હજારનિો તીવ્ર કડાકો બોલાઈ જતાં બજારના ઝવેરીઓ સ્તબ્ધ થઈ ગયા હતા.
દરમિયાન, વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ ઔંસના ૫૦૫૬થી ૫૦૫૭ ડોલરથી ગબડી નીચામાં ભાવ ૪૭૯૧ થઈ ૪૮૫૮થી ૪૮૫૯ ડોલર રહ્યાના નિર્દેશો મળ્યા હતા. વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ વધતાં સોનામાં ફંડોની વેચવાલી વધી હતી. દરમિયાન, વૈશ્વિક ચાંદીના ભાવ આજે ઝડપી ૧૩થી ૧૪ ટકા તૂટી ગયા હતા.
વિશ્વ બજારમાં ચાંદીના ભાવ ઔંસના ૯૦.૨૩ વાળા તૂટી નીચામાં ભાવ ૭૩.૫૬ થઈ ૭૬.૩૭થી ૭૬.૩૮ ડોલર રહ્યા હતા. પ્લેટીનમના ભાવ ઔંસના ૨૨૯૮ વાળા નીચામાં ભાવ ૨૦૩૬ થઈ ૨૦૩૭ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ૧૮૩૨ વાળા નીચામાં ભાવ ૧૬૬૯ થઈ ૧૬૮૩થી ૧૬૮૪ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે ૦.૭૪ ટકા નરમ હતા. વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ૮થી ૯ ટકા જ્યારે પેલેડીયમના ભાવ ૪થી ૫ ટકા તૂટયા હતા.
ચીનથી મળતા સમાચાર મુજબ ત્યાંના એક મોટા કોમોડિટી ટ્રેૈડર્સ દ્વારા ૨૦૨૨થી ૨૦૨૬ દરમિયાનના ગાળામાં સોનામાં તેજીનો વેપાર કરી આશરે ૩ અબજ ડોલરનો નફો કર્યો હતો અને હવે ચીનના આ ટ્રેડરે ચાંદીમાં મંદીનો વેપાર શરૂ કર્યો છે! ચીનમાં શાંઘાઈ વાયદા બજારમાં આ ટ્રેડર એક્ટીવ રહ્યો છે આ ટ્રેડરે હવે ચાંદી વાયદામાં મંદીની મોટી પોઝીશન ઊભી કરી છે આ ટ્રેડરની ચાંદીમાં મંદીના વેંચાણની પોઝીશન હાલ આશરે ૪૫૦ ટન જેટલી ગણાઈ છે. ચાંદીના મંદીના વેપારમાં આ ટ્રેડરે ૨૮૮ મિલીયન ડોલરનો નફો કરી લીધો છે.
દરમિયાન, અમદાવાદ બજારમાં ચાંદીના ભાવ આજે તૂટી કિલોના રૂ.૨૬૦૦૦૦ જ્યારે સોનાના ભાવ તૂટી ૧૦ ગ્રામદીઠ ૯૯૫ના રૂ.૧૫૯૭૦૦ તથા ૯૯૯ના રૂ.૧૬૦૦૦૦ બોલાયા હતા. મુંબઈ બુલિયન બજારમાં સોનાના ભાવ ગબડી જીએસટી વગર ૯૯૫ના રૂ.૧૫૧૮૯૧ તથા ૯૯૯ના રૂ.૧૫૨૫૦૨ બોલાયા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર ગબડી રૂ.૨૫૨૨૩૨ થઈ રૂ.૨૫૪૩૩૯ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા. મુંબઈ પ્લેટીનમના ભાવ આજે ૧૦ ગ્રામના રૂ.૭૦૦૦ ગબડી રૂ.૬૫૪૦૬ બોલાઈ ગયા હતા.
એમસીએક્સ ખાતે ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો કિલોદીઠ રૂ.૨૫૮૦૯૬ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.૨૫૮૦૯૬ અને નીચામાં રૂ.૨૩૯૦૦૦ના મથાળે અથડાઈ, રૂ.૨૬૮૮૫૦ના આગલા બંધ સામે રૂ.૧૬૯૫૫ ઘટી રૂ.૨૫૧૮૯૫ના સ્તરે પહોંચ્યો હતો. કિલોદીઠ ચાંદી-મિની ફેબુ્રઆરીવાયદો રૂ.૧૭૭૫૯ ઘટી રૂ.૨૫૯૦૩૧ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદી-માઇક્રો ફેબુ્રઆરી વાયદો રૂ.૧૭૯૧૯ ઘટી રૂ.૨૫૯૦૦૦ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

















