Ahmedabad Cyber Crime: અમદાવાદમાં વધુ એક સાયબર ફ્રોડનો હૃદયદ્રાવક કિસ્સો સામે આવ્યો છે, જેમાં ઘાટલોડિયા વિસ્તારમાં રહેતા 51 વર્ષીય ગ્રાફિક ડિઝાઇનર ધર્મેશ મિસ્ત્રી સાયબર ગુનેગારોનો શિકાર બન્યા છે. શેરબજારમાં રોકાણ કરીને રોજનું ઊંચું વળતર મેળવવાની લાલચમાં તેમણે પોતાની જિંદગીભરની આખી મૂડી ગુમાવી દીધી છે. શાતિર ઠગોએ પૂર્વ આયોજિત પ્લાનિંગ સાથે ઓનલાઈન ટ્રાન્સફર અને આંગડિયા પેઢી મારફતે કુલ 57,85,500 રૂપિયા પડાવી લીધા હતા. આ અંગે અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
₹2 કરોડના ફંડેડ એકાઉન્ટની આપી હતી લાલચ
આ છેતરપિંડીની શરૂઆત ગત જૂન 2025માં થઈ હતી. ધર્મેશભાઈના મોબાઈલ પર એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનારે પોતાનું નામ પ્રવિણ હોવાનું જણાવી ‘STOCK OPERATOR.IN’ કંપનીમાંથી બોલતો હોવાની ઓળખ આપી હતી. ત્યારબાદ અનિલ દુબે નામના અન્ય એક ઠગે ફોન કરીને જુદા-જુદા ઇન્વેસ્ટમેન્ટ પ્લાન સમજાવી લાલચ આપી હતી કે, જો તેઓ કંપનીના સ્પેશિયલ ફંડેડ એકાઉન્ટ પ્લાનમાં 39,99,999 રૂપિયા રોકશે, તો તેમનું 2,00,00,000 રૂપિયાનું ફંડેડ એકાઉન્ટ ખુલશે. આ એકાઉન્ટ પર રોજનું 5 ટકા વળતર મળશે અને નફાના 70 ટકા કલાયન્ટને (ધર્મેશભાઈને) મળશે.
શરૂઆતમાં મોટી રકમ ન હોવાથી ઠગોએ માત્ર 3,54,000 રૂપિયાથી ટ્રેડિંગ આઈડી શરૂ કરાવી, બાકીની રકમ ટુકડે-ટુકડે ભરવા દબાણ કર્યું હતું અને વિશ્વાસ જીતવા માટે નકલી એગ્રીમેન્ટ પણ મોકલ્યો હતો.
પત્નીની કેન્સરની બીમારી વચ્ચે આંધળો વિશ્વાસ કર્યો
આ જ સમયગાળા દરમિયાન ધર્મેશભાઈના પત્નીને કેન્સરની ગંભીર બીમારી ડિટેક્ટ થઈ હતી. સારવાર માટે તાત્કાલિક મોટી રકમની જરૂર હોવાથી, તેઓ શેરબજારમાંથી મોટી કમાણીની આશાએ ઠગોની વાતોમાં આવી ગયા અને આંધળો વિશ્વાસ કરી બેઠા.
બેન્ક એકાઉન્ટ સિવાય આંગડિયાથી પૈસા મંગાવ્યા
ઠગોએ ટેકનિકલ એરરના બહાના હેઠળ બેન્ક ખાતા ઉપરાંત, મુંબઈ વાશી ખાતે આવેલી આંગડિયા પેઢીઓ મારફતે ભાવેશ નામના વ્યક્તિના મોબાઈલ નંબર પર અલગ-અલગ તારીખે કુલ 49,50,000 રૂપિયા મંગાવી લીધા હતા. સાયબર ઠગોએ પોતાની નકલી વેબસાઈટ પર એક બોગસ ડેશબોર્ડ પણ બનાવ્યું હતું, જેમાં ધર્મેશભાઈનો નફો વધીને 2,49,53,930 રૂપિયા થઈ ગયો હોવાનું ડિજિટલ આંકડાઓમાં બતાવવામાં આવતું હતું.
પત્નીની તબિયત બગડતાં વિડ્રો કરવા દબાણ કર્યું
નવેમ્બર 2025ના અંતમાં પત્નીની તબિયત વધુ બગડતાં હોસ્પિટલના ખર્ચ માટે ધર્મેશભાઈએ પોતાના રોકેલા રૂપિયા અને નફો વિડ્રો કરવા માટે વિરાજ અને અનિલ દુબે નામના ઠગો પર દબાણ કર્યું હતું. જોકે, પૈસા પાછા આપવાના બદલે ઠગોએ તેમના અન્ય સાગરીતો સૂરજ સિંઘ અને શોહેલને એડમિન ડિપાર્ટમેન્ટના નામે મેદાનમાં ઉતાર્યા હતા.
તેમણે ઓટીપી જનરેશન ફી પેટે યુપીઆઈ (UPI) આઈડી પર 60,500 રૂપિયા અને 30,000 રૂપિયા તેમજ આંગડિયાથી બીજા 4,00,000 રૂપિયા પડાવી લીધા હતા. આમ, ટુકડે-ટુકડે કુલ 57,85,500 રૂપિયા ભરાવ્યા બાદ પણ ઠગોએ એક પણ રૂપિયો પાછો ન આપ્યો અને છેવટે પોતાના ફોન બંધ કરી દીધા હતા. પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થતાં જ ધર્મેશભાઈએ સાયબર ક્રાઈમમાં અરજી કરી હતી. જેના આધારે પોલીસે આ ફેક વેબસાઈટ ચલાવનારા, વિવિધ નંબરો પરથી કોલ કરનારા અને આંગડિયા તેમજ બેન્ક ખાતા દ્વારા રૂપિયા મેળવનારા તમામ ઠગો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.















