![]()
Ahmedabad Crime News: અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલા ઝુંડાલ પાસે એક યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. મૃતકની પત્નીએ આ મામલે ગંભીર આક્ષેપો કરતા પોલીસને જણાવ્યું હતું કે, ‘મારા પતિને પ્રેમ સંબંધ અને પૈસા માટે બ્લેકમેલ કરી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવતી હતી.’
શું છે સમગ્ર ઘટના?
મળતી માહિતી અનુસાર, મૃતકની ઓળખ ગાંધીનગર જિલ્લાના પેથાપુરના રહેવાસી જશ્મિતસિંગ તરીકે થઈ છે. ચાંદખેડા પોલીસના જણાવ્યાનુસાર, 12મી મેની સાંજે અજાણ્યા શખસોએ જશ્મિતસિંગ પર તીક્ષ્ણ હથિયારોથી હુમલો કર્યો હતો. હુમલાખોરોએ યુવકની છાતી, પીઠ, હાથ અને બગલના ભાગે અનેક જીવલેણ ઘા માર્યા હતા, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
જશ્મિતસિંગની પત્ની અજિતકૌર સીખલીગરે પોલીસ ફરિયાદમાં જણાવ્યું કે, 12મી મેની સાંજે મારા પતિ બાઈક લઈને ઘરેથી નીકળ્યો હતો, પરંતુ પરત ફર્યો નહોતો. બીજા દિવસે સવારે પોલીસ દ્વારા તેને જાણ કરવામાં આવી કે તેના પતિની હત્યા થઈ છે. ઝુંડાલ વિસ્તારના એક ધૂળિયા રસ્તા પરથી જશ્મિતસિંગનો લોહીથી લથપથ મૃતદેહ મળી આવ્યો હતો.
આ પણ વાંચો: ગોધરામાં કરુણ ઘટના, જૂનું મકાન તોડવા જતાં દીવાલ ધરાશાયી, પિતા-પુત્રનું દટાઈ જતાં મોત
બ્લેકમેલિંગ અને ધમકીના આક્ષેપો
મૃતકની પત્ની અજિતકૌરના આક્ષેપ છે કે, એક મહિલા છેલ્લા ચાર-પાંચ વર્ષથી મારા પતિ સાથે સંબંધમાં હતી. તે મહિલા જશ્મિતસિંગને પૈસા માટે સતત બ્લેકમેલ કરતી હતી. આ ઉપરાંત તે મહિલા સુરજીત ટાંક અને માનસિંગ ટાંક નામના વ્યક્તિઓ દ્વારા તેના પતિને જાનથી મારી નાખવાની ધમકીઓ અપાવતી હતી.
પોલીસ તપાસ અને પુરાવા
તપાસ દરમિયાન જશ્મિતસિંગની બાઈક કથિત મહિલાના ઘરની બહાર પાર્ક કરેલી મળી આવી છે, જે આ કેસમાં મહત્ત્વનો પુરાવો માનવામાં આવે છે. ચાંદખેડા પોલીસે હાલ અજાણ્યા વ્યક્તિઓ સામે હત્યાનો ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.















