મુંબઈ : અમેરિકા તથા ઈરાન વચ્ચે યુદ્ધના ભણકારાંને પગલે વૈશ્વિક કિંમતી ધાતુમાં નવેસરથી ઉછાળો આવતા ઘરઆંગણે પણ સોનાચાંદીના ભાવ ઊંચકાયા હતા. વૈશ્વિક સોનુ વધી ફરી ૫૦૦૦ ડોલરને પાર કરી ગયું હતું જ્યારે ચાંદી પણ ૭૮ ડોલરની ઉપર કવોટ થતી હતી. અમેરિકા ઈરાન પર ગમે ત્યારે હુમલો કરશે તેવા અહેવાલોએ ક્રુડ તેલના ભાવ પણ મજબૂત બોલાવા લાગ્યા હતા. વૈશ્વિક કરન્સી સામે રૂપિયામાં સુધારો જોવા મળ્યો હતો.
વિશ્વ બજાર પાછળ સ્થાનિકમાં અમદાવાદ સોનામાં રૂપિયા ૩૫૦૦ જ્યારે ચાંદીમાં રૂપિયા ૯૦૦૦ વધારો થયો હતો જ્યારે મુંબઈ સોનુ રૂપિયા ૨૬૦૦ અને ચાંદી રૂપિયા ૭૭૦૦ વધી હતી. બીજી બાજુ એમસીએકસ તથા એનએસઈએ સોનાચાંદીના વાયદા પર લાગુ કરેલ વધારાનું માર્જિન પાછુ ખેંચી લીધું હતું.
ઘરઆંગણે મુંબઈ ઝવેરી બજારમાં ૯૯.૯૦ દસ ગ્રામ સોનુ જીએસટી વગર રૂપિયા ૨૬૦૭ વધી રૂપિયા ૧,૫૪,૫૭૦ રહ્યું હતું. ૯૯.૫૦ સોનાના દસ ગ્રામના જીએસટી વગર રૂપિયા ૧,૫૩,૯૫૧ બોલાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના જીએસટી વગર રૂપિયા ૭૭૩૩ વધી રૂપિયા ૨,૪૪,૭૭૨ કવોટ થતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા.
અમદાવાદ ૯૯.૯૦ સોનુ પ્રતિ દસ ગ્રામ રૂપિયા ૩૫૦૦ વધી રૂપિયા ૧,૫૯,૫૦૦ જ્યારે ૯૯.૫૦ના દસ ગ્રામના ભાવ રૂપિયા ૧,૫૯,૨૦૦ બોલાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલો રૂપિયા ૯૦૦૦ ઉછળી રૂપિયા ૨,૪૬,૦૦૦ કવોટ થતી હતી.
ઈરાન સાથેની વાટાઘાટ નિષ્ફળ રહેશે તો તેના પર આક્રમણ કરવા અમેરિકાએ પૂરતી તૈયારી કરી લીધી હોવાના અહેવાલ ઉપરાંત ઈરાને પોતાની એરસ્પેસ સંપૂર્ણ રીતે બંધ કરી દેતા ગમે તે ઘડીએ યુદ્ધ થવાની શકયતા વધી ગઈ છે જેને પગલે સેફ હેવન તરીકે સોનાચાંદીમાં ફન્ડોની લેવાલી રહી હતી.
ફન્ડોની લેવાલીથી વિશ્વ બજારમાં સોનુ પ્રતિ ઔંસ ઉપરમાં ૫૦૨૧.૯૩ ડોલર અને નીચામાં ૪૯૬૦.૮૩ ડોલર થઈ મોડી સાંજે ૪૯૮૫ ડોલર કવોટ થતું હતું. ચાંદી ઔંસ દીઠ ઉપરમાં ૭૯.૪૭ ડોલર અને નીચામાં ૭૬.૪૯ ડોલર થઈ મોડી સાંજે ૭૭.૬૦ ડોલર મુકાતી હતી.
દરમિયાન, સોનાચાંદીના ભાવમાં ભારે વોલેટિલિટીને પગલે એમસીએકસ તથા એનએસઈ દ્વારા વર્તમાન મહિનાના પ્રારંભમાં ગોલ્ડ ફયુચર્સ કોન્ટ્રેકટસ તથા સિલ્વર ફ્યુચર્સ કોન્ટ્રેકટ પર લાગુ કરેલ વધારાના માર્જિન પાછા ખેંચી લેવાની જાહેરાત કરાઈ હતી.
એમસીએકસ તથા એનએસઈ દ્વારા ગોલ્ડ વાયદા પર ૩ ટકા વધારાનું માર્જિન અને ચાંદી ફ્યુચર્સ કોન્ટ્રેકટસ પર સાત ટકા વધારાનું માર્જિન લાગુ કરાયું હતું જે ૧૯ ફેબુ્રઆરીથી અમલી બને તે રીતે પાછું ખેંચી લેવાયું છે.
ઈરાન-અમેરિકા યુદ્ધની સ્થિતિમાં ક્રુડ તેલનો પૂરવઠો ખોરવાવાની શકયતાએ આઈસીઈ બ્રેન્ટ ક્રુડ તેલ પ્રતિ બેરલ ૭૦ ડોલરને પાર કરી મોડી સાંજે ૭૧.૩૬ ડોલર સાથે સાડાછ મહિનાની ટોચે કવોટ થતું હતું. નાયમેકસ ડબ્લ્યુટીઆઈ પણ બેરલ દીઠ ૬૬.૩૦ ડોલર મુકાતુ હતું.
વૈશ્વિક ચલણો સામે રૂપિયામાં મજબૂતાઈ જોવા મળી હતી. ડોલર ૦૨ પૈસા ઘટી ૯૦.૬૭ રૂપિયા, પાઉન્ડ ૯૫ પૈસા ઘટી રૂપિયા ૧૨૨.૨૯ જ્યારે યુરો ૦૭ પૈસા ઘટી રૂપિયા ૧૦૭.૩૫ રહ્યો હતો.

















