Ahmedabad News: અમદાવાદ જિલ્લાના દેત્રોજ તાલુકાના રાજપુરા ગામે એક ધાર્મિક આયોજન દરમિયાન ફૂડ પોઈઝનિંગની મોટી ઘટના બની છે. 8 એપ્રિલની રાત્રે યોજાયેલા આ કાર્યક્રમમાં પ્રસાદીના નાસ્તા તરીકે સેવ-ખમણી પીરસવામાં આવી હતી. જે ખાધાના ગણતરીના સમયમાં જ 60થી વધુ ગ્રામજનોને ઉલટી, ઉબકા અને ચક્કર આવવાની સમસ્યા શરૂ થઈ હતી. જોતજોતામાં અનેક લોકોની તબિયત લથડતા ગામમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
60થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર
બાળકો અને વૃદ્ધો સહિત 60થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી. જેમાં મોટી સંખ્યામાં બાળકો અને વયસ્કોનો પણ સમાવેશ થાય છે. અસરગ્રસ્તોને તાત્કાલિક ધોરણે કડીની ભાગ્યોદય હોસ્પિટલ તથા અન્ય ખાનગી દવાખાનાઓમાં ખસેડવામાં આવ્યા છે. હાલમાં ડોકટરો દ્વારા તમામ દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે, જેમાંથી મોટાભાગના લોકોની સ્થિતિ હાલ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
આરોગ્ય વિભાગ દ્વારા નમૂના લઈ તપાસ
ઘટનાની ગંભીરતાને જોતા દેત્રોજ આરોગ્ય તંત્ર અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમો તુરંત ઘટનાસ્થળે દોડી ગઈ હતી. અધિકારીઓએ જે સ્થળે ભોજન બન્યું હતું ત્યાં તપાસ હાથ ધરી છે. લેબોરેટરી પરીક્ષણ માટે સેવ-ખમણીના સેમ્પલ લેવામાં આવ્યા છે જેથી જાણી શકાય કે ખોરાકમાં કયા કારણોસર ઝેરી અસર થઈ હતી. આ ઉપરાંત ગામમાં વપરાતા પીવાના પાણીની પણ ચકાસણી કરવામાં આવી રહી છે.
તંત્રની સાવચેત રહેવા અપીલ
આ દુર્ઘટના બાદ સમગ્ર પંથકમાં ભય અને ચિંતાની લાગણી પ્રસરી ગઈ છે. સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા ગ્રામજનોને અપીલ કરવામાં આવી છે કે ખોરાક બાબતે પૂરતી તકેદારી રાખવી. જો કોઈને પણ શારીરિક અસ્વસ્થતા કે ફૂડ પોઈઝનિંગ જેવા લક્ષણો દેખાય, તો થોડું પણ મોડું કર્યા વિના નજીકના આરોગ્ય કેન્દ્રમાં સંપર્ક કરવો જેથી સમયસર સારવાર મળી રહે.
આ પણ વાંચો: અમદાવાદમાં હવે પાનમસાલા પણ સુરક્ષિત નથી, અસલાલીની કંપનીમાં વહેલી પરોઢે લાખોની લૂંટ
ફૂડ પોઇઝનિંગ કેમ થાય?
ફૂડ પોઈઝનિંગ અથવા ફૂડ બોર્ન એ ચેપ છે જે દૂષિત ખોરાક, પાણી, ફળો વગેરે આરોગવાના કારણે થાય છે. જ્યારે ખોરાક બેક્ટેરિયા, જંતુઓ, વાયરસ અથવા પરોપજીવીઓથી દૂષિત થઈ જાય છે અને આપણે તેને ખાઈએ છીએ, ત્યારે તે ફૂડ પોઈઝનિંગ થયા છે. ઘણી વખત આ કેસના દર્દીઓને ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
ફૂડ પોઈઝનિંગના લક્ષણો શું છે?
-પેટમાં ખેંચાણ
-અતિસાર
-ઉબકા
-ઉલ્ટી
-ભૂખમાં ઘટાડો
-નિમ્ન-ગ્રેડ તાવ
-નબળાઈ
-માથાનો દુખાવો















