વાળુકડ, તા. પાલીતાણા: રાજ્ય સરકારના આરોગ્ય સપ્તાહની ઉજવણીના ભાગરૂપે આજરોજ ડૉ.એચ.કે.ચૌહાણ, મેડિકલ ઓફિસર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વાળુકડના માર્ગદર્શન તથા મુકેશભાઈ ખોડીફાડ, હેલ્થ સુપરવાઇઝર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વાળુકડના સુપરવિઝન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, વાળુકડ તથા આરબીએસકે (RBSK) ટીમના સંયુક્ત ઉપક્રમે વિનય વિહાર કેળવણી મંડળ ટ્રસ્ટ સંચાલિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, વાળુકડ ખાતે વિદ્યાર્થીઓ માટે વિશેષ આરોગ્ય જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને એનિમિયા, ટીબી મુક્ત ભારત અભિયાન, નેશનલ વેક્ટર બોર્ન ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા, પાણીજન્ય અને ખોરાકજન્ય રોગો, કુપોષણ તેમજ ચાંદીપુરા વાયરસ સહિત વિવિધ ચેપી રોગોની ઓળખ, બચાવ અને નિવારણ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું.
ડૉ. રિદ્ધિબેન જાદવ દ્વારા એનિમિયાના કારણો, લક્ષણો, આયર્નયુક્ત આહારનું મહત્વ, આયર્ન ફોલિક એસિડ ટેબલેટનું મહત્વ તથા એનિમિયાથી બચવાના ઉપાયો અંગે માહિતી આપવામાં આવી. ડૉ. પિયુષભાઈ ડાંખરા દ્વારા આરબીએસકે કાર્યક્રમ હેઠળ બાળકો અને કિશોરોને મળતી આરોગ્ય સેવાઓ, ટી.ડી. રસીકરણ, કિશોર-કિશોરી સ્વાસ્થ્ય તેમજ નિયમિત આરોગ્ય તપાસના મહત્વ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું.
મુકેશભાઈ ખોડિફાડ , હેલ્થ સુપરવાઇઝર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વાળુકડ દ્વારા પાણીજન્ય અને ખોરાકજન્ય રોગચાળો, ચાંદીપુરા વાયરસ, મચ્છરજન્ય રોગોથી બચવાના ઉપાયો તથા સ્વચ્છતાના મહત્વ અંગે વિસ્તૃત સમજણ આપવામાં આવી. વિદ્યાર્થીઓ સાથે પ્રશ્નોત્તરી યોજી તેમની જિજ્ઞાસાઓનું નિરાકરણ પણ કરવામાં આવ્યું.
આ કાર્યક્રમમાં વિનય વિહાર કેળવણી મંડળ ટ્રસ્ટના સ્થાપક અને મેનેજિંગ ટ્રસ્ટી શ્રી નાનુભાઈ શિરોયા, જીતુભાઈ વ્યાસ સાહેબ, શાળાના આચાર્યશ્રી, શિક્ષકગણ તથા સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, વાળુકડના હિતેશભાઈ જેઠવા, અનિલભાઈ ડોડીયા તેમજ આરબીએસકે ટીમના સભ્યોએ સક્રિય સહભાગિતા નોંધાવી હતી.
કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓને સ્વચ્છતા જાળવવા, પૌષ્ટિક આહાર લેવા, નિયમિત આરોગ્ય તપાસ કરાવવા અને સરકારની આરોગ્ય સેવાઓનો મહત્તમ લાભ લેવા અપીલ કરવામાં આવી.
આ સમગ્ર કાર્યક્રમ ડૉ. એચ. કે. ચૌહાણ, મેડિકલ ઓફિસર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વાળુકડના માર્ગદર્શન તથા મુકેશભાઈ ખોડીફાડ, હેલ્થ સુપરવાઇઝર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વાળુકડના સુપરવિઝન હેઠળ સફળતાપૂર્વક યોજાયો હતો.














