![]()
અમદાવાદ,બુધવાર
કાલુપુર રેલવે સ્ટેશન પર પુરી-ગાંધીધામ ટ્રેન આવી ત્યારે શંકાસ્પદ રીતે બે યુવકોને રેલવે પોલીસે ઝડપીને તપાસ તેમની પાસે રહેલા સામાનમાંથી ૧૭ લાખની કિંંમતનો ૩૪ કિલો ગાંજો મળી આવ્યો હતો. આ અંગે રેલવે એસઓજીએ તપાસ શરૂ કરી છે.
અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર પુરી-ગાંધીધામ ટ્રેન પહોંચી ત્યારે રેલવે એસઓજીનો સ્ટાફ ટ્રેનમાંથી ઉતરી રહેલા શંકાસ્પદ પેસેન્જરો પર નજર રાખતા હતા. તે સમયે બે યુવકો બે મોટા થેલા લઇને બહાર નીકળતા હતા. જેથી પોલીસે તેમને રોકતા બંને સામાન મુકીને નાસ્યા હતા. જો કે બે યુવકો ઝડપાઇ ગયા હતા. તેમના સામાન અને થેલાની તપાસ કરતા તેમાંથી રૂપિયા ૧૭ લાખની કિંમતનો ૩૪ કિલો ગાંજો મળી આવ્યો હતો. આ અંગે પોલીસ ઇન્સ્પેક્ટર એ પી ગામીતે બંને યુવકોની પુછપરછ કરતા તેમના નામ રાહુલ નાયક અને દિબ્યાદત્તા નાયક (બંને રહે.જિ. ધેનકેનાલ, ઓરિસ્સા) હોવાનું જાણવા મળ્યું હતું. તેમને ઓરિસ્સાના જ્યોતિનાયક પિન્કુ નામના વ્યક્તિઓએ ગાંજો આપ્યા હતા અને કાલુપુર રેલેવેની બહાર જઇને તેમને એક વ્યક્તિને કોલ કરવાનો હતો અને તે ગાંજો રિસિવ કરવાનો હતો. ગાંજો અમદાવાદ લાવવાના બદલામાં તેમને નાણાં આપવામાં આવ્યા હતા. આ અંગે એનડીપીએસનો કેસ નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે.














