![]()
વડોદરા, તા.17 વડોદરા શહેરમાં કુબેર ભવન, નર્મદા ભવન અને પોલીસ ભવન બાદ હવે સરકારી કચેરીઓ માટે ચોથું બહુમાળી બનવા જઇ રહ્યું છે. કલેક્ટર દ્વારા સુભાનપુરાના સર્વે નંબરમાં ગોરવા ખાતે વિવિધ સરકારી કચેરીઓ માટે બહુમાળી ભવન બનાવવા માટે જમીનની ફાળવણી કરી છે.
હાલમાં શહેરમાં કોઠી વિસ્તારમાં આવેલા કુબેર ભવનમાં રજિસ્ટ્રાર કચેરી, તિજોરી કચેરી, આયોજન કચેરી, મહિલા અને બાળ કલ્યાણ કચેરી સહિતની કચેરીઓ બેસે છે. આ ઉપરાંત નર્મદા ભવનમાં મામલતદાર કચેરી, જનસેવા કેન્દ્ર, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, સહકાર, શ્રમ આયુક્ત, સિંચાઇ સહિતની કચેરીઓ કાર્યરત છે. જ્યારે, પોલીસ ભવનમાં પોલીસ ઉપરાંત અન્ય કચેરીઓ આવેલી છે.
ગંભીરા બ્રિજની ઘટના બાદ કરવામાં આવેલા સુરક્ષા અન્વેષણના અહેવાલના આધારે કુબેર ભવન તથા નર્મદા ભવનમાં રિનોવેશનનું કાર્ય ચાલી રહ્યું હોવાથી આ બન્ને બહુમાળી ભવનમાં બેસતી કચેરીઓને કામચલાઉ ધોરણે અન્ય સ્થળોએ ખસેડવામાં આવી રહી છે. પણ, શહેરમાં ત્રીજા બહુમાળી ભવનની જરૃરિયાતને ધ્યાને રાખીને કલેક્ટર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
મહેસુલ તંત્ર દ્વારા ગોરવામાં સુભાનપરાના બે સર્વે નંબરો જે ગોરવામાં આવે છે ત્યાં ૧૦ હજાર ચોરસ મીટર જમીન ફાળવવામાં આવી છે. આ જમીનનો કબ્જો માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય)ની વડોદરા શહેરની કચેરીને આપવામાં આવ્યો છે. હવે, આ વિભાગ દ્વારા અહીં બહુમાળી ભવન નિર્માણ કરવાની નિયત કામગીરી હાથ ધરવામાં આવશે. સૂત્રોએ જણાવ્યું હતું કે ગોરવા વિસ્તારમાં નવા બહુમાળી ભવન માટે આર્કિટેક્ટ દ્વારા ડિઝાઇન તૈયાર કરી એફએસઆઇના આધારે ઇમારત બનાવાશે. પ્રાથમિક ૧૦ માળની બહુમાળી ઇમારત બને તેવી શક્યતા છે. આ બિલ્ડિંગ ગ્રીન બિલ્ડિંગ હશે કે નહી તે હવે પછી નક્કી કરાશે.















