![]()
વડોદરાઃ કારેલીબાગ વિસ્તારમાં ગઇકાલે બપોરે એક મહિલા પેસેન્જરે જ રિક્ષાચાલકનો અછોડો લૂંટી લીધો હોવાનો બનાવ બન્યો હતો.
ડભોઇરોડ સોમાતળાવ પાસે પરમાર ફળિયામાં રહેતા ૬૭ વર્ષીય રિક્ષા ચાલક છગનભાઇ વણકરે પોલીસને કહ્યું છે કે,ગઇ કાલે બપોરે હું રિક્ષા લઇ સરદાર એસ્ટેટ પાસે હતો ત્યારે એક મહિલા ગેંડાસર્કલ સુધી જવા માટે આવી હતી.મેં તેને અમિતનગર સુધી જવાનો છું તેમ કહેતાં તે રૃ.૧૦૦ ભાડું નક્કી કરી બેઠી હતી.
મહિલાએ કહ્યું હતું કે,મારી પાસે છુટા નથી અને મોબાઇલ પણ ચાર્જ નથી,જેથી મારા સબંધીને બોલાવ્યા છે.કારેલીબાગની વાઘેશ્વરી સોસાયટી પાસે તેણે રિક્ષા ઉભી રખાવી હતી અને બાઇક લઇ આવેલા પુરૃષને છુટા લેવા મોકલ્યો હતો.ત્યારબાદ તે નીચે ઉતરી હતી અને રિક્ષાચાલકનો એક તોલાનો અછોડો તોડી ભાગી ગઇ હતી.
આગળ બાઇક ચાલક આવી જતાં તે તેના પર બેસી ફરાર થઇ ગઇ હતી.પાછળ દોડેલા રિક્ષા ચાલકના હાથમાં તેની ઓઢણી આવી હતી.પરંતુ બંને જણા ભાગવામાં સફળ રહ્યા હતા.કારેલીબાગ પોલીસે આ બાબતે ગુનો નોંધ્યો છે.














