![]()
જામનગર જિલ્લાના કાલાવડમાં સોશિયલ મીડિયા પર શેર કરાયેલી એક સમાચાર પોસ્ટને લઈને વોર્ડ નં. 3ના કોર્પોરેટર અને વેપારી પરસોતમભાઈ મગનભાઈ હીરપરાને અજાણ્યા નંબર પરથી ફોન કરી તેમના પુત્રને ઉપાડી જવાની ધમકી અપાયાની ઘટના સામે આવી છે. આ મામલે કાલાવડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ફરિયાદ મુજબ, પરસોતમભાઈ હીરપરાએ સોશિયલ મીડિયા પર ફરતી “દંપતી પર હુમલો કરનાર 4 આરોપીઓને કોર્ટની સજા” સંબંધિત પોસ્ટ પોતાના ફેસબુક સ્ટોરીમાં મૂકી હતી. ત્યારબાદ બપોરના સમયે મોબાઈલ નંબર 7777944909 પરથી વોટ્સએપ કોલ આવ્યો હતો. ફોન કરનારે સ્ટોરી તાત્કાલિક ડિલીટ કરવાની માંગ કરી હતી.
પરસોતમભાઈએ સ્ટોરી દૂર કરવાની ના પાડતા ફોન કરનારે અપશબ્દો બોલી ધમકી આપી હતી કે તેમના પુત્ર ક્યાં ભણે છે તેની જાણ છે અને તેને ઉપાડી લઈ જશે. ત્યારબાદ પણ સતત ફોન કોલ કરવામાં આવ્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
ફોન કરનારની તપાસ કરતાં તે અલ્પેશભાઈ વીનુભાઈ ડોબરીયા હોવાનું જાણવા મળ્યું હોવાનું ફરિયાદીએ જણાવ્યું છે. વધુમાં, સાંજના સમયે પોલીસ ફરિયાદ કરવા જવાની જાણ થતાં આરોપીએ ફરી વોટ્સએપ કોલ કરી “તું અત્યારે જ ફરિયાદ કરી આવ, પછી તું ક્યાં જઈશ” તેવી ધમકી આપી હોવાનું પણ ફરિયાદમાં નોંધાયું છે.
આ સમગ્ર ઘટનાથી પોતાને અને પરિવારને ભય લાગ્યો હોવાનું જણાવી પરસોતમભાઈ હીરપરાએ અલ્પેશભાઈ ડોબરીયા સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે કાલાવડ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ દ્વારા ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.















