![]()
KC Venugopal expected to be New Keralam CM : કેરલમમાં કોંગ્રેસ ગઠબંધનની ભવ્ય જીત બાદ મુખ્યમંત્રી પદ માટે ચાલી રહેલી સસ્પેન્સનો આખરે અંત આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ અને લોકસભા સાંસદ કેસી વેણુગોપાલ કેરલમના આગામી મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે. હાઈકમાન્ડ દ્વારા મોકલવામાં આવેલા નિરીક્ષકોના રિપોર્ટમાં વેણુગોપાલનું પલડું ભારે જોવા મળ્યું છે.
મોટા ભાગના ધારાસભ્યો વેણુગોપાલની તરફેણમાં
નવનિર્વાચિત ધારાસભ્યો સાથેની બેઠક બાદ નિરીક્ષકો અજય માકન અને મુકુલ વાસનિકે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને રિપોર્ટ સોંપ્યો છે.
આ રિપોર્ટના આંકડા મુજબ:
કેસી વેણુગોપાલ: 63 માંથી 46 ધારાસભ્યોનું સમર્થન.
રમેશ ચેન્નીથલા: માત્ર 8 ધારાસભ્યોનો ટેકો.
વી.ડી. સતીશન: 6 ધારાસભ્યોનું સમર્થન.
બાકીના ત્રણ ધારાસભ્યોએ હાઈકમાન્ડના નિર્ણયને શિરોમાન્ય રાખવાની વાત કરી છે. મોટાભાગના ધારાસભ્યોની સહી વાળી યાદીમાં ‘KC’ ઇનિશિયલ્સનો દબદબો જોવા મળ્યો છે, જે વેણુગોપાલની લોકપ્રિયતા અને પકડ સાબિત કરે છે.
શપથવિધિની તૈયારીઓ પણ શરૂ
સૂત્રોના જણાવ્યા અનુસાર, 11 મે, સોમવારના રોજ કેરળના નવા મુખ્યમંત્રીનો શપથવિધિ સમારોહ યોજાઈ શકે છે. શનિવાર સુધીમાં સત્તાવાર જાહેરાત થવાની પૂરેપૂરી શક્યતા છે. આ સમારોહમાં રાહુલ ગાંધી ખાસ હાજર રહેશે, સાથે જ તમિલનાડુમાં ઐતિહાસિક જીત મેળવનાર TVK ચીફ થલાપતિ વિજયને પણ આમંત્રણ અપાય તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે.















