![]()
મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદી તથા પ્લેટીનમના ભાવમાં ઘટાડો આગળ વધ્યો હતો. નવી માગ ધીમી હતી. વિશ્વ બજાર તૂટતાં ઘરઆંગણે ઈંમ્પોર્ટ કોસ્ટ નીચી ઉતરી હતી. જો કે મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવ ફરી ઉંચકાતાં ઝવેરી બજારમાં ભાવ ઘટાડો તેટલા પ્રમાણમાં સિમિત રહ્યો હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા.
વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ વધ્યા પછી ફરી ઘટયાના સમાચાર મળ્યા હતા. વૈશ્વિક બજારમાં આજે સોનાના ભાવ ઔંસના ૪૧૫૫ ડોલરવાળા ઘટી નીચામાં ભાવ ૪૦૨૪ થઈ ૪૦૮૪થી ૪૦૮૫ ડોલર રહ્યા હતા. સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ ઔંસના ૬૩.૯૭થી ૬૩.૯૮ વાળા ઘટી નીચામાં ભાવ ૬૧.૫૧ થઈ ૬૩.૬૨થી ૬૩.૬૩ ડોલર રહ્યા હતા.
દરમિયાન, અમદાવાદ બજારમાં ચાંદીના ભાવ કિલોના રૂ.૨૦૦૦ વધી રૂ.૨૩૭૦૦૦ રહ્યા હતા. જયારે અમદાવાદ સોનાના ભાવ ઘટી ૯૯૫ના રૂ.૧૪૯૭૦૦ તથા ૯૯૯ના ભાવ રૂ.૧૫૦૦૦૦ રહ્યા હતા. મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ રૂ.૨૩૦૦ તૂટયા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ રૂ.૭૦૦ ઘટયા હતા.
સોનાના ભાવ ઘટી જીએસટી વગર ૯૯૫ના રૂ.૧૪૪૨૦૨ તથા ૯૯૯ના રૂ.૧૪૪૭૮૨ રહ્યા હતા. જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર ઘટી રૂ.૨૩૨૫૯૧ રહ્યા હતા.
વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ વધ્યા પછી ઘટયા હતા. બ્રેન્ટક્રૂડના ભાવ બેરલના ઉંચામાં ૯૫.૫૦ ડોલર થયા પછી ૯૧.૮૬ ડોલર રહ્યા હતા જ્યારે યુએસ ક્રૂડના ભાવ ૯૩.૬૫ થઈ ૮૮.૮૭ ડોલર રહ્યા હતા. અમેરિકાની સરકારે પોતાની હસ્તકના ક્રૂડતેલના વ્યુહાત્મક સ્ટોકમાંથી વધુ ૪૦૦ લાખ બેરલ્સ ક્રૂડતેલ એનર્જી કંપનીઓને આપવા માટે છૂટ્ટું કર્યાના નિર્દેશો હતા.
વિશ્વ બજારમાં આજે પ્લેટીનમના ભાવ ૧૬૬૦ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ૧૨૫૦ ડોલર રહ્યા હતા. વિશ્વ બજારમાં ક્રૂડમાં ચીનની નવી માગ ધીમી રહી હતી. મુંબઈ બુલિયન બજારમાં આજે પ્લેટીનમના ભાવ ૧૦ ટકા ગ્રામદીઠ રૂ.૩૦૦ ઘટી રૂ.૫૯૬૮૯રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે ૦.૩૭ ટકા ઘટયા હતા.















