![]()
માખીયાળા નજીક રેન્જ IG સ્ક્વોડે દરોડો પાડયો : બીલખાના 2 શખ્સે બહારગામથી અનાજનો જથ્થો ગેરકાયદેસર મંગાવી સંગ્રહ કર્યો હતો, કુલ 18.85 લાખનો મુદ્દામાલ કબ્જે
જૂનાગઢ, : જૂનાગઢ તાલુકાના માખીયાળા નજીક આઈ.જી. સ્ક્વોડના સ્ટાફે દરોડો પાડી ગોડાઉનમાં સંગ્રહ કરેલો 8.85 લાખની કિંમતનો સરકારી અનાજનો જથ્થો પકડી લીધો હતો. બીલખાના બે શખ્સોએ આ અનાજનો જથ્થો બહારગામથી મંગાવી સંગ્રહ કર્યો હતો. કુલ 18.85 લાખનો મુદામાલ કબ્જે કરાયો છે.
આ અંગેની વધુ વિગત મુજબ બીલખામાં રહેતા મહમદ જમાલ માલવીયા અને ઇરફાન સિતાર કાળવાતર નામના શખ્સોએ માખીયાળા નજીક ભાડે ગોડાઉન રાખી બહારગામથી ગેરકાયદેસર રીતે સરકારી સસ્તા અનાજનો જથ્થો મંગાવી સંગ્રહ કર્યો હોવાની બાતમી મળી હતી, જેના આધારે રેન્જ આઈ. જી. સ્ક્વોડના પી.આઈ. વાય.બી. રાણા સહિતના સ્ટાફે ગોડાઉનમાં દરોડો પાડતા ત્યાંથી 4.60 લાખની કિંમતના 23,000 કિલો ઘઉં અને 4.25 લાખની કિંમતનો 17,000 કિલો ચોખાનો જથ્થો મળી આવ્યો હતો. સ્થળ પરથી 8.85 લાખનો સરકારી અનાજનો જથ્થો તેમજ એક ટ્રક મળી કુલ 18.85 લાખનો મુદામાલ કબ્જે કરી તાલુકા પોલીસ સ્ટેશનને સોંપાયો હતો.
સરકાર દ્વારા લોકોને અનાજનો જથ્થો આપવામાં આવે છે પરંતુ ફેરિયાઓ લોકો પાસેથી આવું અનાજ ખરીદ કરી તેનું વેંચાણ કરે છે. આ કેસમાં તપાસ બાદ જવાબદારો સામે પગલાં લેવામાં આવે એવી માંગ ઉઠી છે.















