![]()
AAP Gujarat: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે આમ આદમી પાર્ટીને વધુ એક જોરદાર ઝટકો લાગ્યો છે. પાર્ટીના વરિષ્ઠ નેતા અને પ્રદેશ ઉપાધ્યક્ષ સાગર રબારીએ પક્ષના તમામ હોદ્દાઓમાંથી મુક્ત થવાની જાહેરા કરી છે. થોડા સમય પહેલા જ રાજુ કરપડાએ પાર્ટી છોડ્યા બાદ, હવે સાગર રબારીના વિદાયથી ગુજરાતમાં આમ આદમી પાર્ટીના સંગઠનમાં ગાબડું પડ્યું છે.
સોશિયલ મીડિયા પર ભાવુક પોસ્ટ કરી
સાગર રબારીએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ અંગેની જાહેરાત કરી હતી. તેમણે લખ્યું કે, ‘હું મારી આમ આદમી પાર્ટી સાથેની યાત્રા આજે અહીં પૂરી કરું છું. પાર્ટીના સભ્યપદ, હોદ્દા અને જવાબદારીમાંથી મારી જાતને મુક્ત કરું છું. અત્યાર સુધીના સહયોગ બદલ તમામ સાથીઓનો હૃદયપૂર્વક આભાર માનું છું.’
આ પણ વાંચો: જસ્ટિસ વિરુદ્ધ કેજરીવાલનો ‘સત્યાગ્રહ’, કોર્ટમાં વકીલ પણ હાજર નહીં થાય, જાણો શું છે મામલો?
પાર્ટી માટે મોટું નુકસાન
ખેડૂત નેતા તરીકેની ઓળખ ધરાવતા સાગર રબારી આમ આદમી પાર્ટીના મજબૂત સ્તંભ ગણાતા હતા. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારો અને ખેડૂતોના પ્રશ્નો ઉઠાવવામાં તેમની ભૂમિકા મહત્ત્વની રહી છે. રાજુ કરપડા બાદ હવે સાગર રબારીએ પણ રાજીનામું આપતા, આગામી ચૂંટણીઓમાં પાર્ટીની વ્યૂહનીતિ પર મોટી અસર પડી શકે છે.
હજુ સુધી સાગર રબારી કયા પક્ષમાં જોડાશે અથવા તેમનું આગામી પગલું શું હશે તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી, પરંતુ તેમના રાજીનામાથી ગુજરાતના રાજકારણમાં અનેક તર્ક-વિતર્ક શરૂ થઈ ગયા છે.















